Thu Jul 23 2026

Logo

ગુજરાતમાં મન મૂકીને નથી વરસતા મેઘરાજા, સુરત સહિત અમુક સ્થળોએ એકથી બે ઇંચ વરસાદ

2026-07-19 20:24:42
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ થવો જોઈએ તે થયો નથી. જુલાઈના પહેલા અઠવાડિયામાં વરસેલા વરસાદ બાદ લગભગ મોટાભાગના જિલ્લાઓમાં કોરા દિવસો જઈ રહ્યા છે. રોજ વરસાદ માત્ર હાજરી પુરાવા પૂરતો આવે છે. 

રવિવારે પણ સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેલના આંકડા અનુસાર રાજ્યના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પંરતુ માંડ પાંચથી છ તાલુકામાં એકથી બે ઇંચ નોંધાયો છે. વલસાડના પારડીમાં સૌથી વધુ 2.95ઇંચ, નવસારીના જલાલપોરમાં 1.54 ઇંચ, નવસારીના નવસારીમાં 1.5 ઇંચ, વલસાડના કપરડામાં 1.5 ઇંચ, સુરત શહેરમાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

સુરતમાં શનિવાર અને રવિવાર મળીને લગભગ 3 ઇંચ જેટલું પાણી પડતા અમુક વિસ્તારોમાં ફરી પાણી ભરાઈ ગયું હતું. વેસુ, ઉધના જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોએ ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં પણ અમુક વિસ્તારોમાં રસ્તા ભીના થયા હતા તો અમુક વિસ્તારોમાં સામાન્ય એવા ઝાંપટામાં પણ પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદી માહોલને કારણે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થયું હતું. અમદાવાદમાં રવિવારે 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ભુજમાં 36 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

જોકે મોટાભાગના જિલ્લાઓ વરસાદની રાહ જોઈને બેઠા છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 4-5 દિવસોમાં હજુ છૂટાછવાયા ઝાંપટાની જ શક્યતા છે.