Tue Sep 01 2026

Logo

ગુજરાતમાં ઉનાળા જેવો અનુભવ, દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

2026-08-29 08:09:00
Author: Mayur Patel
ગુજરાતમાં ઉનાળા જેવો અનુભવ, દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

AI Image


અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો છે. ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોંચી જતાં રાજ્યમાં ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન દેશના 15 રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો નથી. ઘણા વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના હતા. કપરાડામાં સૌથી વધુ 0.31 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં નૈઋત્યથી પશ્ચિમ દિશાના પવનો સક્રિય થયા છે. મોન્સૂન ટ્રફ ઉત્તર ભારતથી લઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી નજીક નવું લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમ્સના પ્રભાવથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

અંબાલાલે શું કરી નવી આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને સપ્ટેમ્બરના પ્રારંભથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજ્યના ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે યુપી, બિહાર સહિત 15 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન 85 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે, તેથી મુસાફરી કરતા પહેલા હવામાન વિભાગનું તાજું અપડેટ જરૂર તપાસી લેવું. ભારે વરસાદને કારણે 5 થી વધુ રાજ્યોમાં નદીઓનું જળસ્તર વધી શકે છે, જ્યારે પૂર્વી ભારતના રાજ્યોમાં વીજળી પડવાની શક્યતા છે.

ખતરનાક વરસાદ અને વાવાઝોડાથી બચવા માટે માછીમારોને નદી અને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 4 થી વધુ રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી છે. ઉત્તર-પૂર્વી અસમ અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત ઉત્તરી ઓડિશાના દરિયાકાંઠે લો પ્રેશર સર્જાવાની શક્યતા છે.

દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર આજે 29 ઓગસ્ટે યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ભારતના રાજ્યોના લોકો માટે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.