Sun Jun 14 2026

Logo

8મું અને 10મું પગાર પંચ ક્યાં છે? શિક્ષકો પર વરસતા કૃષિ પ્રધા રમેશ કટારાના જ્ઞાન પર ઉઠ્યા સવાલ

2026-06-14 16:04:44
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાત સરકારના કૃષિ રાજ્ય પ્રધાન રમેશ કટારાએ શિક્ષકોને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ગોધરામાં યોજાયેલા એક જાહેર મંચ પરથી શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શનની માનસિકતા પર તેમણે નિવેદન આપ્યું છે. ગોધરામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' કાર્યક્રમ યોજાયો હતો તેમાં રમેશ કટારાએ શિક્ષકોને લઈને આ નિવેદન આપ્યું છે. રમેશ કટારાએ કહ્યું કે, શિક્ષકોને આટલો પગાર મળે છે, આઠમા અને દશમાં પગાર પંચનો લાભ મળ્યો છે છતાં પણ ધરપત નથી. એટલે કે શિક્ષકો હજી પણ વધારે પગાર માટે આંદોલન કરી રહ્યાં છે એકદમ પાયાવિહોણા છે. 

8મા અને 10મા પગાર પંચનો લાભ ક્યારથી શરૂ થયો?

શિક્ષકની કામગીરી પર સવાલ કરતા સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે. રમેશ કટારાએ કહ્યું કે, શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો મેળવી લીધા છે, તેમ છતાં ભૂખ ભાગતી નથી. ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે.

રમેશ કટારાએ શિક્ષકોની કામગીરી અંગે પણ સવાલ કર્યો

પ્રશ્ન એ છે કે, રમેશ કટારા રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન છે, પરંતુ તેમને સરકારી કામગીરી અને વ્યવસ્થાનો કોઈ ખ્યાલ છે જ નહીં! કારણ કે, હજી સરકારી કર્મચારીઓને હજી માત્ર 7મા પગાર પંચનો લાભ મળે છે. તો પછી મંત્રી સાહેબ 8મા અને 10મા નાણાં પંચની વાત ક્યાંથી લાવ્યાં? ગુજરાતમાં કોને 8મા અને 10મા પગાર પંચનો લાભ મળે છે? પગાર સાથે સાથે શિક્ષકોની કામગીરી અંગે પણ સવાલ કર્યો છે. કહ્યું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે.

ધારાસભ્યોના પગારમાં જે વધારો થયો ત્યાં કેમ બોલતા નથી?

રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન રમેશ કટારાએ કહ્યું કે, પહેલા આપણાં વડીલો 500 અને 1000 રૂપિયામાં નોકરી કરતા હતા, અત્યારે અનેક સરકારી લાભો મળી રહ્યાં છે, તો પણ છતાં ભૂખ ભાગતી નથી. પ્રશ્ન એ છે કે, 2001માં વડીલો 500-1000માં નોકરી કરતા હતા, તે વખતે ધારાસભ્યોના પગાર પણ 3,500 રૂપિયા જ હતો, હાલ 1.37 લાખ રૂપિયાથી 1.40 લાખ રૂપિયા મળે છે. તો મંત્રીજી પોતાની વાત કેમ નથી કરી રહ્યાં? લાખો રૂપિયાનો પગાર તેમને મળી રહ્યો છે, આ સાથે બીજા અનેક પ્રકારના સરકારી લાભો પણ તેમને મળી રહ્યાં છે છતાં સવાલ માત્ર શિક્ષકો પર થઈ રહ્યાં છે.