આણંદ : ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ દરમિયાન આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 34 જિલ્લાઓમાં યોજાશે
આ ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 34 જિલ્લાઓમાં યોજાશે. આ ચૂંટણીઓમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 95 નગરપાલિકાઓ અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે અને 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
અટકાયતી પગલાંઓની પણ સમીક્ષા કરવામાં આવી
તેમણે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ડો. રાવે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોના તૈનાતી પ્લાન પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલા અટકાયતી પગલાંઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા આદેશ
રાજ્ય પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ છે.ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે રાજ્ય પોલીસ વડાએ જિલ્લા પોલીસ તંત્રને તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મતવિસ્તારમાં મતદારોમાં વિશ્વાસ જાગે તે માટે 'એરિયા ડોમિનેશન' કવાયત હાથ ધરવા સૂચના આપી હતી. કામગીરીની પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
ઈવીએમ રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે પ્રોટોકોલ પાલનની સૂચના
ઈવીએમ રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું નિયમિત નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. કોઈપણ અઘટિત ઘટનાના કિસ્સામાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમને તમામ મતદાન મથકો સાથે સતત સંપર્કમાં રહેવા અને સંચાર વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવા જણાવ્યું હતું.
અફવાઓ ફેલાવનારા તત્વો સામે કાર્યવાહીના આદેશ
આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જે મતદાન મથકોને 'ક્રિટિકલ' (સંવેદનશીલ) જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પણ સૂચના અપાઈ હતી. રાજ્ય પોલીસ વડાએ ઉમરેઠના નાગરિકોને કોઈપણ ડર વગર, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.