Mon Sep 07 2026

Logo

ગુજરાતમાં શ્રમિક કાયદાઓની કડક અમલવારીનો દાવો, ખેડામાં કારખાનામાં 232  ફોજદારી કેસ  દાખલ

2026-03-11 20:21:00
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં શ્રમિક કાયદાઓની કડક અમલવારીનો દાવો, ખેડામાં કારખાનામાં 232  ફોજદારી કેસ  દાખલ

ગાંધીનગર: ગુજરાતમાં  શ્રમ કાયદાઓના અસરકારક અમલીકરણ ઉપરાંત ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવા રાજ્યનું શ્રમ તંત્ર કટિબધ્ધ છે તેમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. આ સંદર્ભે શ્રમિકોની ફરિયાદો અને રજૂઆતોના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 166  જામનગર જિલ્લામાં 416  એકમોની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી. 

કોર્ટ દ્વારા કુલ 229  કેસનો નિકાલ

જ્યારે ખેડા જિલ્લામાં 667  એકમોની સ્થળ તપાસ કરી, 73  કારખાનાઓને શો કોઝ નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી 34  કારખાના પાસે કાયદાની જોગવાઇઓનું પાલન કરાવાયું છે તેમજ પૂર્તતા ન કરનારાં 39  કારખાના સામે કુલ 231  ફોજદારી કેસો અદાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા કુલ 229  કેસનો નિકાલ કરી, કસૂરવાર માલિકને રૂ. 5,20,000 દંડ કરવામાં આવ્યો છે.

ઔદ્યોગિક એકમ વચ્ચે સમજૂતીના પ્રયત્નો 

તેમણે કહ્યું કે શ્રમિકો કે શ્રમિક સંગઠનો તરફથી કોઈ એકમ સામે ફરિયાદ કે અરજી મળે, તેવા કિસ્સામાં સંબંધિત ઔદ્યોગિક એકમમાં રૂબરૂ સ્થળ તપાસ અને નિરીક્ષણ કરવામાં આવે છે. ખાસ કરીને, શ્રમિકો તરફથી મોટા ભાગે પગાર, બોનસની અપૂરતી ચૂકવણી, ગ્રેચ્યુઇટીની રકમનો વિવાદ અથવા શ્રમયોગીને છૂટા કરવા સહિતની ફરિયાદો મળતી હોય છે. જેમાં શ્રમ વિભાગ દ્વારા શ્રમયોગી અને ઔદ્યોગિક એકમ વચ્ચે સમજૂતીના પ્રયત્નો કરવામાં આવે છે.