અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મોટો ચુકાદો આપ્યો હતો. કથિત પ્રમાણપત્રાના આધારે થયેલા લગ્નને ગેરકાયદે જાહેર કરતો સિમાચિહ્નરૂપ ચુકાદો આપતાં કોર્ટે કહ્યું, સાત ફેરાં ન ફર્યા હોય તો પ્રમાણપત્ર હોવા છતાં હિંદુ લગ્ન કાયદેસર માન્ય ના ગણાય.
ગુજરાત હાઈ કોર્ટે કહ્યું કે, હિંદુ મેરેજ એક્ટ મુજબ માત્ર પ્રમાણપત્ર હોવાથી લગ્ન સંપૂર્ણ અને કાયદેસર થતાં નથી. કાયદામાં રહેલી વિભાવના મુજબ લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને જ્યાં સુધી શાસ્ત્રોક્ત વિધિવિધાન અને રીતરિવાજોથી લગ્ન ન થાય, જ્યાં સુધી વર અને વધૂ સાત ફેરાં અગ્નિની સાક્ષીએ સખાભાવ સાથે સુખદુખના સાથી બનવાના સોગંધ ન લે ત્યાં સુધી પ્રમાણપત્ર હોવા છતાંય આવા લગ્નોને હિંદુ મેરેજ એક્ટ મુજબ કાયદેસર માન્યકા મળતી નથી.
શું છે મામલો
યુવતીએ હાલ યુકેમાં રહેતા અને અગાઉ તેના પિતાના કંપનીમાં કામ કરતાં યુવક સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમજ આ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જોકે યુવકે ક્યારેય લગ્ન કર્યા જ નહોતા અને આ લગ્નની તેને જાણ પણ નહોતી. જેથી યુવકે અમદાવાદની ફેમિલી કોર્ટમાં આવા કથિત પ્રમાણપત્રના આધારે ઉભા થયેલા લગ્નને રદ કરવાની દાદ માગી હતી. જે અરજી ફેમિલી કોર્ટે રદ કરતા યુવકે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
હાઈ કોર્ટે યુવકની અરજી ગ્રાહ્ય રાખીને ફેમિલી કોર્ટનો હુકમ રદ કર્યો હતો અને કથિત પ્રમાણપત્રના આધારે ઉભા થયેલા લગ્નને રદબાતલ જાહેર કરવાનો ચુકાદો આપ્યોહતો. કોર્ટે કહ્યું, હિંદુ મેરેજ એક્ટ અને હિન્દુ સમાજમાં લગ્નનું મહત્વ ખૂબ મહત્વ છે. યુવતીએ ખુદ કોર્ટમાં લેખિત નિવેદન કર્યું છે કે તેના કોઈ કાયદેસરના લગ્ન થયા નથી કે લગ્નના કોઈ રીતરિવાજ કે હિંદુ વિધિ પણ કરવામાં આવી નથી. તેમની વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ પણ નથી.
ખંડપીઠે ફેમિલી કોર્ટના આદેશને રદ કરતાં એવું તારણ આપ્યું કે, અમારું માનવું છે કે આ કેસમાં પ્રતિવાદીએ સ્વીકાર્યું છે કે લગ્નના કોઈ સંસ્કાર અને વિધિ કરવામાં આવી નહોતી. તેથી હિંદુ લગ્નની મૂળભૂત અને જરૂરી આવશ્યકતા આ કેસમાં ગેરહાજર છે.
આ ઉપરાંત હાઈ કોર્ટે કેસમાં લગ્ન સંસ્કાર વિશે પણ ઉલ્લેખ કરતાં કહ્યું, હિંદુ પરંપરામાં પત્નીને અર્ધાંગિની ગણવામાં આવે છે. હિન્દુ કાયદા હેઠળ લગ્નને એક ધાર્મિક વિધિ અથવા સંસ્કાર માનવામાં આવે છે.હિંદુઓનાં લગ્નમાં પુરુષ અને સ્ત્રી ભવિષ્યમાં પરિવાર બનાવવાના હેતુથી પતિ-પત્ની તરીકેના સંબંધમાં જોડાય છે, જે ભારતીય સમાજનું મૂળભૂત એકમ છે. હિંદુ લગ્ન કુટુંબના એકમને મજબૂત કરે છે અને વિવિધ સમુદાયોમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.