Tue Aug 18 2026

Logo

ગુજરાત સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ': નેત્રંગમાં આભ ફાટ્યું!

2026-07-31 21:39:41
Author: Mumbai Samachar Team
Article Image

ChatGPT Image


4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આર્મી અને NDRF સ્ટેન્ડબાય

મુંબઈ/નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાની રફતાર ફરી એકવખત જોર પકડી રહી છે, ત્યારે ઓગસ્ટ મહિનામાં જોર યથાવત રહી શકે છે, જેનાથી દેશના અનેક રાજ્યોમાં પૂરનું સંકટ ઔર વકરી શકે છે. પહેલા અઠવાડિયામાં અમુક રાજ્યોમાં મેઘરાજાનું જોર ઔર વધી શકે છે, જ્યારે વરસાદની અછત પણ ઘટીને 14 ટકા જેટલી રહી છે.

બીજી બાજુ આગામી દિવસોમાં દેશમાં ચોમાસું વધુ વેગ પકડશે, જ્યારે આવતીકાલે ગુજરાત સહિત 20 રાજ્યમાં પૂર-પ્રકોપની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવતીકાલે ગુજરાત અને આસામ જેવા રાજ્યમાં પૂરનું જોખમ વકરી શકે છે. આઈએમડીના લેટેસ્ટ અહેવાલ અનુસાર દેશના કુલ 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે, જેમાં ગુજરાત, દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે.

સેટેલાઈટ ઈમેજમાં પણ મહારાષ્ટ્ર ઉપર હળવા દબાણની સાથે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ વરસશે. ગુજરાતના અનેક જિલ્લામાં ચોથી ઓગસ્ટ સુધી રેડ એલર્ટને કારણે સુરક્ષા એજન્સીએ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, ત્યારે હજુ સંકટ વધુ ઘેરાઈ શકે છે. હિમાચલ પ્રદેશથી લઈને આસામમાં પણ પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં એમ વહીવટી પ્રશાસને જણાવ્યું હતું.

ગુજરાતમાં ભરુચ જિલ્લામાં બારે મેઘ ખાંગા

ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગરમાં અપેક્ષા પ્રમાણે સાંજ સુધી વરસાદ પડ્યો નથી, પરંતુ સુરત, ડાંગ, ભરુચ, ખેડામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. ભરુચ જિલ્લામાં 10 કલાકમાં નેત્રંગમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનવાને કારણે અનેક શહેરી સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા.

દિવસ દરમિયાન નેત્રંગમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, સુરતના ઉમરપાડા, અંબિકા વિસ્તારમાં નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વસોમાં પોણા દસ ઇંચ વરસાદ પડવાથી જનજીવન પર અસર પડી હતી. ભારે વરસાદને કારણે નદીનાળામાં પૂરની સ્થિતિ ઊભી થવાથી લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદની અછતમાં સરેરાશ ઘટાડાથી રાહત

હવામાન વિભાગના અહેવાલ અનુસાર વરસાદની અછત ઘટીને હવે 14 ટકા રહી છે, જે ગયા અઠવાડિયાની તુલનામાં વધુ સારી સ્થિતિ બની છે, જે સમગ્ર દેશ માટે રાહતની વાત છે. મહારાષ્ટ્રની ઉપર બની રહેલા દબાણને કારણે સૌથી વધુ મજબૂત મોસમી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાં મોટા પ્રમાણમાં ભેજ ખેંચી લાવે છે.

ઉપરાંત, ગુજરાત, હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આણંદ, સુરત, વલસાડમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. દિલ્હી, ગુરુગ્રામ, અલવર, બુલંદશહેર, લુધિયાણા અને બિહારમાં પૂરપ્રકોપની સ્થિતિ ઊભી થઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં આજે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

ઓગસ્ટમાં ભારે વરસાદથી જળાશયોમાં આવક થશે

આઈએમડીના તાજેતરના રિપોર્ટ અનુસાર દેશમાં ચોમાસાની રફતાર પકડી છે અને મજબૂત બની રહ્યું છે. મધ્ય ભારત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વોત્તર ભારતમાં હજુ પણ વરસાદની અછત ઊભી થઈ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગયા અઠવાડિયાની તુલનામાં ઓગસ્ટમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનાની શરુઆતમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીના સ્ટોકમાં વધારો થશે, જ્યારે પાક પાણીને ફાયદો થશે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સેના, નૌકાદળ અને એરફોર્સને મદદ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.

દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો

ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે, પરિણામે ઓખલા બેરેજના ચાર ગેટ ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે ગુરુગ્રામમાં સાઈબર સિટીમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે સંબંધિત અધિકારી સામે કાયદાકીય પગલા ભરવામાં આવ્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટરને પણ દંડ ફટકાર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 

હવામાન વિભાગના અહેવાલ અનુસાર આવતીકાલે યુપીના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં છઠ્ઠી ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે.  બીજી બાજુ બિહારમાં ફરી મોન્સૂન એક્ટિવ થયું છે, જ્યારે હવામાન વિભાગે 25 જિલ્લામાં યેલો એલર્ટ આપ્યું છે. બિહારના કટિહારમાં ગંગા અને કોસી નદીમાં પણ પૂરની દહેશતને કારણે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરમાં પણ નિરંતર વરસાદને કારણે પવિત્ર અમરથનાથ યાત્રાની સાથે ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ પર અસર થઈ છે, જેમાં અનેક લોકો ઠેકઠેકાણે ફસાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.