Thu Jul 23 2026

Logo

કામરેજમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર! ગુજરાતમાં આગામી ૩ કલાક અતિભારે; 27 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

2026-07-07 09:26:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાંજે 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં પડ્યો છે. સુરતના કામરેજમાં સૌથી વધુ 6.06 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. સુરત સિટીમાં 4.8, પારડીમાં 4.53 ઇંચ, વાપીમાં 4.37 ઇંચ અને નાનાપોંઢામાં 4.33 ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે આગામી ત્રણ કલાક મોટભાગના ગુજરાત માટે ભારે છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યના 27 જિલ્લા માટે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું છે. 

આજે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત પર વધુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વલસાડ અને સુરત જિલ્લાના અનેક ભાગોમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર,  સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતમાં કામરેજમાં 6.06 ઇંચ, સુરત સિટીમાં 4.8, પારડીમાં 4.53 ઇંચ, વાપીમાં 4.37 ઇંચ, નાનાપોંઢામાં 4.33 ઇંચ, રાધનપુરમાં 4.21 ઇંચ, ખાનપુરમાં 3.86 ઇંચ, ડોળવણમાં 3.5 ઇંચ, ડભોઇમાં 3.23 ઇંચ, ખેરગામ, વલસાડ અને સાગબારામાં 3.11 ઇંચ, ઉમરગામમાં 2.99 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

આ દરમિયાન રાજ્યના 52 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે. 25 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ દરમિયાન આગામી ત્રણ કલાક માટે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મળીને કુલ 27 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.