Sat Jun 13 2026

Logo

ગુજરાતમાં દવાના નામે નશાનું વેચાણ કરતી ફાર્મસી પર આરોગ્ય તંત્ર ત્રાટક્યું, 72 દુકાનો સીલ

2026-06-12 21:36:17
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતમાં યુવાધનને  દવાના નામે નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ કરતી ફાર્મસી પર આરોગ્ય તંત્ર ત્રાટક્યું છે. જેમાં 208 ફામર્સી પર તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 72 દુકાનોને સીલ કરવામાં આવી છે. જ્યારે 131ને -શો-કોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લીધા છે. 

કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામના ગેરકાયદે વેચાણ રોકવા માટે ડ્રાઈવ 

રાજયમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર -FDCA દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.

 72  પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ 

આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે, આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા 131  પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72  પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું છે. દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા 55  સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.

કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે

પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલઆંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131  પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું.