Fri Jun 12 2026

Logo

સોમનાથનો વર્ષો જૂનો રસ્તો બંધ કેમ કર્યો? 5 મહિનાથી કેમ મૂંગા રહ્યા?': હાઈકોર્ટની કલેક્ટરને ફટકાર

2026-06-11 21:57:21
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને સાગર દર્શન ગેસ્ટ હાઉસ સાથે જોડતા વર્ષો જૂના જાહેર રસ્તાને બંધ કરી દેવાના મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય વહીવટીતંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. સ્થાનિક રહીશો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સત્તાવાળાઓ દ્વારા રસ્તો બ્લોક કરાયા બાદ તંત્રની નિષ્ક્રિયતા અને અધિકારીઓના વલણની આલોચના કરી હતી.

અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ રસ્તો  વર્ષોથી સામાન્ય જનતા દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યો છે અને વર્ષ 1920ના સત્તાવાર સરકારી રેકોર્ડ તેમજ નકશાઓમાં પણ આ માર્ગ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ કલેક્ટરને છેલ્લા પાંચ મહિનામાં અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે તેમણે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા હતા.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્થાનિક લોકોની ફરિયાદોનો જવાબ ન આપવા બદલ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો. કોર્ટની ફટકાર બાદ બચાવ પક્ષે સરકારી વકીલે દલીલ કરી હતી કે મુખ્ય માર્ગ પરથી સોમનાથ મંદિર સુધી પહોંચવાનો રસ્તો હજુ પણ ચાલુ જ છે. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે આ મંદિર પરિસરમાં પ્રવેશવા માટે પાંચ દરવાજા હતા, પરંતુ હાલમાં સુરક્ષાના કારણોસર મુલાકાતીઓને માત્ર મુખ્ય 'દિગ્વિજય દ્વાર' તરફથી જ પ્રવેશ આપવામાં આવે છે.

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તાજેતરમાં જ પાછળના એક ગેટને દીવાલ ચણીને સીલ કરી દેવાયો છે, જ્યારે અન્ય બે દરવાજા છેલ્લા પાંચ વર્ષમાં તબક્કાવાર બંધ કરવામાં આવ્યા છે. હાલમાં પ્રભાસ પાટણ તરફથી દિગ્વિજય ગેટ સુધી પહોંચવા માટે માત્ર ટુ-વ્હીલર વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે.

વહીવટીતંત્રે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે  આગામી સમયમાં અહલ્યાબાઈ હોલકરની પ્રતિમાથી લઈને સાગર દર્શન રોડ સુધીના સમગ્ર વિસ્તારનું વિગતવાર વીડિયો રેકોર્ડિંગ અને તે વિસ્તારના અદ્યતન સત્તાવાર નકશાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. હાઈકોર્ટે આ તમામ પુરાવાઓ રેકોર્ડ પર લેવાનો આદેશ કરીને સરકારી તંત્ર પાસે વિગતવાર ખુલાસો માંગ્યો હતો. આ  મામલાની આગામી સુનાવણી હવે ૨૨ જૂનના રોજ હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.