Fri Jun 19 2026

Logo

માત્ર મોટા બેંક વ્યવહારોના આધારે ઇન્કમ ટેક્સ કેસ ફરી ઓપન ન કરી શકાય: ગુજરાત હાઈ કોર્ટ

2026-06-19 16:48:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી કરચોરી કે આવક છુપાવી હોવાના કોઈ ચોક્કસ પુરાવા ન હોય ત્યાં સુધી બેંક ખાતામાં માત્ર મોટા નાણાકીય વ્યવહારો થયા છે તેના આધારે ઇન્કમ ટેક્સ આકારણી ફરીથી શરૂ કરી શકાય નહીં. 

જસ્ટિસ એ. એસ. સુપૈયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આ મામલે એક કંપની વિરુદ્ધ આકારણી વર્ષ 2019-20 અને 2021-22 માટે જારી કરાયેલી રિએસેસમેન્ટ નોટિસો અને તે સંબંધિત આદેશોને રદબાતલ જાહેર કર્યા હતા.
 
અદાલતે જણાવ્યું હતું કે કોઈ પુરાવા વિના માત્ર બેંક ખાતાના મોટા વ્યવહારો આપોઆપ એ સાબિત નથી કરતા કે તેના પર ટેક્સ ચૂકવવાનો બાકી રહી ગયો છે.

મળતી વિગતો અનુસાર, ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીના બેંક સ્ટેટમેન્ટ્સમાં જંગી જમા-ઉધાર અને અસુરક્ષિત લોનની હેરફેર જોઈને આ કેસ ફરીથી ખોલવાની માંગ કરી હતી. વિભાગની દલીલ ગતિ કે આ વ્યવહારો કંપનીની વ્યાપારિક પ્રવૃત્તિઓ સાથે મેળ ખાતી નથી. તેની સામે કંપનીએ દલીલ કરી હતી કે આ તમામ વ્યવહારો તેના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને ચોપડામાં પહેલેથી જ નોંધાયેલા છે, અને જે સંસ્થાઓ સાથે આ વ્યવહારો થયા છે તેઓ પણ નિયમિતપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે.

કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ખુદ એસેસિંગ ઓફિસરે સ્વીકાર્યું છે કે તમામ વ્યવહારો કંપનીના ચોપડે નોંધાયેલા છે અને સામેવાળી કંપનીઓ પણ રિટર્ન ભરે છે. અદાલતે કહ્યું હતું કે, માત્ર ધારણાઓ અને અનુમાનોના આધારે કેસ ફરીથી ઓપન કરવો એ દલીલ વ્યાજબી નથી.
 
અદાલતે એનબીએફસી લાઇસન્સ નહીં હોવા કે વ્યાજ નહીં વસૂલવા જેવી વિભાગની દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ બાબતોથી ટેક્સ લાયબિલિટી છુપાવી હોવાનો કોઈ આક્ષેપ સાબિત થતો નથી.