સુરત: ભારે વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા સુરતના વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય કરવા માટે ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. રાહત કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને સંકલન અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે પાણીના નિકાલ, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. DYCM હર્ષ સંઘવીએ વહીવટીતંત્રને આગામી 48 થી 72 કલાકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન થાળે પાડવા, બજારો અને ધંધાકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, પાણીથી ફેલાતા રોગો અને રોગચાળાના જોખમને રોકવા માટે તાત્કાલિક વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવા અને આરોગ્ય વિષયક પગલાં લેવાની પણ સૂચનાઓ આપી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શહેરમાં અત્યાર સુધીમાં 9,100 થી વધુ પરિવારોનો ઘરે-ઘરે જઈને સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. તેમાંથી 800 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને તેમના ઘરે જઈને પરિવાર દીઠ ₹6,800ની ઘરવખરીની વસ્તુઓ અને રોકડ બંને સ્વરૂપે સહાય આપવામાં આવી છે. બાકી રહેલા પાત્ર પરિવારોને પણ સહાય મળી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે શહેરના 58 થી વધુ શેરીઓ, બજારો અને વ્યાપારી વિસ્તારોમાં દુકાનો તેમજ વ્યવસાયોને થયેલા નુકસાન અંગેનો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો નિર્ણય લેવામાં આવશે. વેપારીઓને ઝડપથી રાહત મળે તે માટે સરકાર સક્રિયપણે જરૂરી માહિતી એકત્ર કરી રહી છે, તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે જો કોઈ વિસ્તાર અથવા હાઉસિંગ સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી વંચિત રહી ગઈ હોય, તો કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ પ્રભારી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ફરિયાદ મળતાં જ સર્વે કરવા માટે તાત્કાલિક એક ટીમ મોકલવામાં આવશે.
ડેપ્યુટી CMએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા રાહત અને પુનર્વસનના કાર્યો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, અને સુરતમાં ટૂંક સમયમાં જ જનજીવન સંપૂર્ણપણે પૂર્વવત થઈ જશે.