Thu Jul 23 2026

Logo

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ મહત્વની સામગ્રીના ભાવ નહીં વધે

2026-06-05 14:24:00
Author: પાઠ્ય પુસ્તકોના નહીં વધે ભાવ
Article Image

ગાંધીનગરઃ આગામી સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે.  આ દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ પાઠ્ય પુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય. કાગળ સહિતના રૉ-મટિરિયલના ભાવમાં વધારો છતાં રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં કરવાનો સરકારે નિર્ણય લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાગળ તથા અન્ય રૉ મટિરિયલના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે પરિવહન તથા અન્ય ખર્ચ વધ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આર્થિક બોજ ન પડે તે માટે સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અગાઉના જ ભાવમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, પાઠ્યપુસ્તકો સમયસર પહોંચે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે વધેલી માંગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં વિતરણમાં થોડો વિલંબ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તમામ પાઠ્યપુસ્તકો ઓનલાઈન પણ ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પાઠ્યપુસ્તકો અને નોટબુક્સના ઉત્પાદન માટે જરૂરી કાચા કાગળના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારો નોંધાયો છે. આ ઉપરાંત આયાતી કાચા માલ, ઈંધણ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધતા પ્રકાશન ઉદ્યોગ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.સામાન્ય રીતે આવા સંજોગોમાં પુસ્તકોના ભાવમાં વધારો થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે ભાવ વધારો ટાળીને શિક્ષણને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે.