અમદાવાદઃ ગુજરાત સરકાર હાર્દિક પટેલ પર મહેરબાન થઈ હતી અને વધુ એક મોટી રાહત આપી હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા વધુ એક કેસમાં રાહત આપી હતી. રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમય દરમિયાન નોંધાયેલા કેસોની સમીક્ષા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એક વધુ ગુનો પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો.
શું હતો મામલો
ઑગસ્ટ 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે અમદાવાદના નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું હતું. જોકે, આ કાર્યક્રમ માટે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી અપાઈ નહોતી. 19 ઑગસ્ટ 2018ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે દયાવાન ફાર્મ ખાતે પાસના કાર્યકરો એકઠા થયા છે અને વગર મંજૂરીએ ઉપવાસ સ્થળ તરફ રેલી સ્વરૂપે જવાની તૈયારી કરી રહ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ ઘટના બાદ નિકોલ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા ગેરકાયદે મંડળી રચવા, પોલીસની ફરજમાં રુકાવટ ઊભી કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હાર્દિક પટેલ, ગીતા પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓની ધરપકડ કરી હતી.
આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દ્વારા કેસ પાછો ખેંચવા માટે કોર્ટમાં અરજી કરાઈ હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર કક્ષાએ આ કેસ પાછો ખેંચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે, જે અંગે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા 6 એપ્રિલ 2026ના રોજ પત્ર લખીને જાણ કરાઈ હતી. ન્યાયાધીશે રજૂઆતો ધ્યાને લઈ નોંધ્યું હતું કે કેસ પાછો ખેંચવા પાછળ કોઈ મલિન ઈરાદો નથી અને જાહેર શાંતિ માટે આ નિર્ણય યોગ્ય છે. કોર્ટે સરકારી વકીલની અરજી મંજૂર કરીને તમામ આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા આવા કેસોની તબક્કાવાર સમીક્ષા કરીને અનેક કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને પરત ખેંચાતા હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને વધુ એક કાનૂની રાહત મળી હતી.