Mon Jun 08 2026

Logo

એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશની સિઝન વચ્ચે અડધી સરકારી કૉલેજમાં પ્રિન્સિપાલ નથી

2026-06-07 20:03:28
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ રાજ્યની એન્જિનિયરિંગ કૉલેજોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતની અડધી સરકારી કૉલેજોમાં ફૂલટાઈમ પ્રિન્સપાલ ન હોવાની વિગતો બહાર આવી છે. મળતી વિગતો અનુસાર રાજ્યની 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાંથી આઠમાં નિયમિત આચાર્યો નથી, જ્યારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ત્રણેય યુજી ફાર્મસી કોલેજોમાં પણ ફૂલટાઈમ આચાર્યો નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આનું મુખ્ય કારણ સ્વૈચ્છિક નિવૃત્તિ હોવાનું સૂત્રો જણાવે છે. છેલ્લા બેથી અઢી વર્ષમાં એન્જિનિયરિંગ, પોલિટેકનિક અને ફાર્મસી કૉલેજોમાં 50 સિનિયર ફેકલ્ટી અને એડમિનિસ્ટ્રેટર્સે વીઆરએસ લીધું છે અને હજુ ઘણી અરજીઓ આવી છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. મોટાભાગના કેસમાં વીઆરએસ લેનારા વ્યક્તિગત કારણો આપે છે, જેમાં સંતાનો સાથે વિદેશ સેટલ થવાનું હોય છે અથવા તો કોઈ ખાનગી સંસ્થા જોઈન કરવાનું હોય છે. જ્યારે આ માટે કામ કરવામાં આવતી અડચણો અથવા સુવિધાનો અભાવ અને કામ કરવામાં સંતોષ ન મળતો હોવાનું પણ કારણ અમુક લોકો જણાવે છે. 

રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ગયા વર્ષે નવ ફેકલ્ટી સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ વીઆરએસનો વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે ત્રણ વધુ લોકોએ અરજી કરી છે અને નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાવનગર એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ પાસે છેલ્લા બે વર્ષથી વીઆરએસ અરજી પેન્ડિંગ છે.

રાજકોટ, મોરબી, ભુજ, દાહોદ, ગોધરા, ભરૂચ અને વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજો ઘણા વર્ષોથી નિયમિત આચાર્યો વિના હોવાનું પણ તેમણે જણા્વયું હતું. આ સાથે પ્રોફેસર માટે મંજૂર કરાયેલી ૧૩૫ જગ્યામાંથી, રાજ્યની કોલેજોમાં ૭૬ અથવા ૫૬% જગ્યાઓ ખાલી છે, તેવી માહિતી પણ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા આપી હતી. 

આ સાથે ૪૦૩ મંજૂર એસોસિયેટ પ્રોફેસર પોસ્ટમાંથી ૨૬% ખાલી છે, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે, ૧,૪૬૭ ની મંજૂર જગ્યાઓ સામે ૨૫% ખાલી જગ્યાઓ છે. ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીએ આ વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં સિનિયર ફેકલ્ટી કે પ્રિન્સિપાલ છોડીને જઈ રહ્યા છે તેમ નથી. અમુક કિસ્સાઓ બને છે પણ કોઈ માસ મુવમેન્ટ જેવું નથી. આ સાથે તેમણે વીઆરએસની કોઈ ફાઇલ પેન્ડિંગ હોવાનો પણ ઈનકાર કર્યો હતો.