Thu Jul 23 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પૂર્વ અગ્નિવીરોને પોલીસ અને વન વિભાગની ભરતીમાં 20 ટકા અનામત અપાશે

2026-06-22 16:19:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમજ આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ આપવાનો નિર્ણય પણ  કર્યો છે. અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.

પૂર્વ અગ્નિવીરોને આ લાભ મળશે 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે.