ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ 17 ફેબ્રુઆરી મંગળવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે મુજબ રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
કુલ મતદારોની સંખ્યા હવે 4,34,70,109
વર્ષ 2026 માટેની મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. જ્યારે 3,95,555 નામ કમી કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં સૌથી વધુ 85,734 નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 47,627 નામ કમી થયા છે. આ રીતે રાજ્યમાં કુલ 5,60,566 મતદારોનો નેટ વધારો નોંધાયો છે, જે ટકા મુજબ 1.29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા હવે 4,34,70,109 પર પહોંચી છે.
જિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 1,05,607 મતદારોનો નેટ વધારો નોંધાયો છે. અમદાવાદમાં 1,53,234 નામ ઉમેરાયા અને 47,627 નામ કમી થયા બાદ અંતિમ સંખ્યા 49,12,548 સુધી પહોંચી છે, જે 2.20 ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યના રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આ જિલ્લામાં મતદારોની વૃદ્ધિ આવનારી ચૂંટણી માટે અસરકારક સાબિત થઈ શકે છે.
રાજકોટ જિલ્લામાં 33,421 મતદારોનો નેટ વધારો
રાજકોટ જિલ્લામાં 33,421 મતદારોનો નેટ વધારો નોંધાયો છે, જ્યારે વડોદરામાં 34,890નો વધારો થયો છે. ગાંધીનગરમાં 21,233 મતદારોનો વધારો (1.81%) નોંધાયો છે. જામનગરમાં 2.01% અને પોરબંદરમાં 2.12% વૃદ્ધિ નોંધાઈ છે, જે રાજ્યમાં સૌથી ઊંચા ટકા વધારામાં સામેલ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં 1,01,578 ઉમેરણ અને 85,734 કમી બાદ માત્ર 15,844નો નેટ વધારો નોંધાયો છે, જે ટકા મુજબ માત્ર 0.44% છે. આણંદ જિલ્લામાં પણ માત્ર 0.55%નો વધારો નોંધાયો છે. વલસાડમાં 0.41% વૃદ્ધિ નોંધાતા દક્ષિણના કેટલાક વિસ્તારોમાં મતદાર વૃદ્ધિ પ્રમાણમાં ધીમી રહી છે.
ડાંગ જિલ્લામાં 2.15%નો વધારો નોંધાયો
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં 24,741નો નેટ વધારો (1.55%) નોંધાયો છે, જ્યારે બનાસકાંઠામાં 11,794 અને પાટણમાં 7,787નો વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ અનુક્રમે 16,083 અને 11,390 મતદારોનો વધારો નોંધાયો છે. આદિવાસી વિસ્તારોમાં દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપુરમાં પણ સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. છોટા ઉદેપુરમાં 1.96% અને ડાંગ જિલ્લામાં 2.15%નો વધારો નોંધાયો છે, જે રાજ્યમાં ઊંચી વૃદ્ધિ દર્શાવે છે.
ભાવનગરમાં 29,964નો નેટ વધારો નોંધાયો
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગરમાં 29,964નો નેટ વધારો નોંધાયો છે, જ્યારે જૂનાગઢમાં 21,014 અને અમરેલીમાં 14,384 મતદારો વધ્યા છે. કચ્છ જિલ્લામાં 19,376નો વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 99 મતદારોનો નેટ ઘટાડો નોંધાયો છે, જે રાજ્યમાં એકમાત્ર જિલ્લામાં નકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. ત્યાં 21,316 ઉમેરણ સામે 21,415 નામ કમી થયા છે.
શહેરી વિસ્તારોમાં મતદારોની સંખ્યા વધી
આંકડાઓ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં મતદારોની વૃદ્ધિ વધુ છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થળાંતર અને શહેરીકરણના કારણે કમી પણ નોંધાઈ છે. આવનારી સ્થાનિક સ્વરાજ્ય તેમજ વિધાનસભાની ચૂંટણી માટે આ અંતિમ મતદાર યાદી રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકીય પક્ષોએ જિલ્લાવાર આંકડાઓનું વિશ્લેષણ શરૂ કરી બૂથ લેવલની વ્યૂહરચના ગોઠવવાની કવાયત તેજ કરી દીધી છે.