અમદાવાદઃ સરકાર સાયબર ફ્રોડથી નાગરિકોને બચાવવા ગમે તેટલા અવરેનસ કાર્યક્રમો કરે તેમ છતાં રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનામાં તોતિંગ ઉછાળો આવ્યો છે. સાયબર અપરાધીઓ અવારનવાર સામાન્ય નાગરિકોને ડરાવી-ધમકાવીને 'ડિજિટલ એરેસ્ટ' જેવા ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2026 સુધીના ડેટા મુજબ, ગુજરાતમાં સાયબર ફ્રોડનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સાયબર ફ્રોડના 1,06,882 કેસ નોંધાયા છે. જેનો અર્થ દરરોજ આશરે 504 અથવા દર કલાકે લગભગ 21 કેસ નોંધાઈ રહ્યા છે.
આ રીતે થાય છે સૌથી વધુ સાયબર ફ્રોડ
સાયબર ક્રાઈમમાં સૌથી સામાન્ય ફ્રોડ જૂની પદ્ધતિ એટલે કે ભોગ બનનાર પાસેથી છેતરીને OTP મેળવવો રહ્યો છે. 26,041 કેસ સાથે, રાજ્યમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી લગભગ દર ચારમાંથી એક ફરિયાદ OTP ફ્રોડની હતી.
58% હિસ્સો માત્ર 3 કેટેગરીનો
21,023 કેસ સાથે ખોટી ઓળખ ઊભી કરીને થતી છેતરપિંડી બીજા ક્રમે સૌથી મોટો ખતરો હતો, ત્યારપછી ઓનલાઇન શોપિંગ ફ્રોડના 15,084 કેસ નોંધાયા હતા. આ ત્રણેય કેટેગરીના મળીને કુલ નોંધાયેલા સાયબર ફ્રોડ કેસોના લગભગ 58% હિસ્સો ધરાવે છે.
મહિલાઓ માટે ચિંતાજનક વાત
જોકે આ આંકડાઓમાં પીડિતોની ઉંમર કે લિંગ અલગથી દર્શાવવામાં આવ્યા નથી, પરંતુ કેટલીક શ્રેણીઓ મહિલાઓ અને સગીરાઓ માટે ખાસ ચિંતાજનક ઓનલાઇન જોખમ તરફ ઈશારો કરે છે. એસ્કોર્ટ ફ્રોડના 1,257, બ્લેકમેઇલિંગના 847, ફેક ફેસબુક/સોશિયલ મીડિયા પ્રોફાઇલના 495, ન્યૂડ વીડિયો-કોલ ફ્રોડના 493 અને મેટ્રિમોનિયલ ફ્રોડના 241 કેસ નોંધાયા હતા.
આ શ્રેણીઓ મળીને કુલ 3,333 ફરિયાદો થાય છે. ન્યૂડ વીડિયો-કોલ અને બ્લેકમેઇલિંગના કેસોમાં મુખ્યત્વે મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સાયબર ગુનેગારો ટેક્નોલોજી કરતાં લોકોના વિશ્વાસનો દુરુપયોગ વધુ કરી રહ્યા છે.
ગુજરાતમાં ટોપ 5 સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી અને કેસોની વિગત
- OTP ફ્રોડના 26,041 કેસ
- ફેક ઓળખના 21,023 કેસ
- ઓનલાઈન શોપિંગના 15,084 કેસ
- ઈન્વેસ્ટમેન્ટ/શેરબજારના 7,228 કેસ
- લૉન એપ્લિકેશનના 5,110 કેસ