અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસે આંદોલનના મંડાણ કરીને અમદાવાદમાં ભવ્ય ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. જો કે અંતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં આંદોલનનો ફિયાસ્કો થયો હતો. જો કે હવે કોંગ્રેસ વિદ્યાર્થીઓના પ્રશ્ન પર આંદોલન શરૂ કરવા જઇ રહી છે. જેમાં NEET પરીક્ષામાં પણ પેપર લીક, CBSE, SSC, NDA સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડોનો મુદ્દો ઉઠાવવા માટે રાજ્યમાં ‘છાત્ર-ગુંજ’ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 22-23 જૂને રાજ્યભરના જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓના મુદ્દાઓ ઉઠાવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાઓના પેપરો લીક થવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વાલીઓના આર્થિક બલિદાન અને યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર એક પરીક્ષા રદ થવી એ કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોની સાબિતી છે.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો ઉઠયા હતા. દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. જ્યારે વારંવાર પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
કોંગ્રેસે સરકારને ઘેરતા કહ્યું હતું કે બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો. છતાં પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળતી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવામાં આવી નથી તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.