Thu Jul 23 2026

Logo

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: પાણી, ઊર્જા અને પોર્ટના વિકાસ માટે 1.22 કરોડ ચો.મી. જમીન ફાળવણીને મંજૂરી

2026-02-19 18:48:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને પોર્ટના વિકાસ માટે જમીન ફાળવણીની ૨૩ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો, ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ પ્રોજેક્ટ્સ માટે કુલ ૧,૨૨,૫૩,૦૯૬ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે ૧,૨૦,૬૦,૦૦૦ ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ ૧૪ સ્થળોએ આશરે ૧,૩૬,૨૯૧ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકોને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ ૭ સ્થળોએ અંદાજે ૩૧,૦૧૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે ૨૫,૭૯૫ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે.

પાણી પુરવઠા બોર્ડને તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, કચ્છ, વલસાડ, અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં જ્યારે, જેટકોને ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પોરબંદર, વલસાડ, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે.