Thu Jul 02 2026

Logo

ગુજરાત બજેટઃ કનુભાઈ દેસાઈની બેગ પર જોવા મળેલી ચિત્રકલાનો કોની સાથે છે સંબંધ ?

2026-02-18 12:40:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આજે રાજ્યનું બજેટ રજૂ કરશે. 'ગુજરાત બજેટ : 2026-27' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલાવાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ છે. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની બજેટ પોથી પર 'વારલી' ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા છે.

વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે. બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્રકલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કંસરી દેવી - આદિવાસીઓના દેવી છે, જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.

વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાલ ઉપર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો સગાઈ, લગ્ન, પાકની લણણી, જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચિત્રકામ કરે છે.

ચિત્રોમાં રોજબરોજના જીવન ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, નદી, ઝરણા દેવી તથા દેવતાઓ વિગેરે દોરવામાં આવે છે.

નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી બહેનો, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝૂંપડાઓ ઘર ખેતરમાં થતા કામો જેવા કે દરણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, અનાજને સુપડાથી સાફ કરતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી બહેનો, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા ,વાઘદેવની પૂજા એ જતા, બળદગાડું લઈને જતા, શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે.
જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ,નાગદેવ, પંચોરાદેવ ઇન્દ્ર દેવ,વાઘ દેવ તથા કંસરી દેવી ચિત્રોના મુખ્ય વિષય છે.

વધુમાં પલાળેલા ચોખાથી બનતા  સફેદ રંગ ઉપરાંત સિંદૂર ગુલાલ કંકુ મધ કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે.
સામાન્ય રીતે ભૌમિતિક આકારો ત્રિકોણ વર્તુળ અર્થ ગોળાકાર તથા ચોરસ જેવા વિવિધ આકારોની મદદથી તથા રેખાઓ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે.

વારલી ચિત્રકલા ૧૨૦૦ વર્ષ જૂની છે.આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્ર કલાને જીવંત રાખવા માટે  ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પાંચમી વખત બજેટ રજૂ કરશે કનુભાઈ દેસાઈ

નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ પાંચમી વખત બજેટ રજૂ કરશે. રાજ્યમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે છે. તેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે 9 વખત બજેટ રજૂ કર્યું છે.

રાજ્યના પ્રથમ બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતું

ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ, 1960ના રોજ રજૂ થયું હતું. 1 મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે    સ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે બાદ બજેટના કદમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગયા વર્ષે, નાણાં પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે₹ 3,32,465  કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે રાજ્યનું બજેટ ₹4,00,000 કરોડને પાર કરી શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો આ અંદાજ સાચો ઠરે તો ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું બજેટ સાબિત થશે. ગત વર્ષની સરખામણીએ આશરે 15 ટકા વધારો નોંધાઈ શકે છે.