Thu Jun 11 2026

Logo

ગુજરાતમાં સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝના વિકાસ માટે કરારની જાહેરાત

2026-06-11 18:52:15
Author: Chandrakant Kanoja
Article Image

ગુજરાત રાજ્ય અવકાશ ક્ષેત્રમાં નવીનતા, ઉત્પાદન ક્ષમતા અને દીર્ઘકાલીન વિકાસને પ્રોત્સાહન આપતું સક્ષમ ઇકોસિસ્ટમ નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે IN-SPACe Industry Connect ની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન દિવસે સરકરે  GIDC ખોરાજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝના વિકાસની જાહેરાત કરી હતી.જેથી તે રાષ્ટ્રીય ધોરણો તથા સ્થાપિત કંપનીઓ અને ઉભરતા ઉદ્યોગ સાહસોની જરૂરિયાતો સાથે સુસંગત રહે.

સ્પેશ ટેક ઇકોસિસ્ટમને નવી ગતિ 

આ પ્રસંગે  કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને રાજયનાવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા.  આ કોમન ટેકનિકલ ફેસિલિટીઝનો હેતુ સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને એવી ઉચ્ચ ગુણવત્તાની ટેસ્ટિંગ અને વેલિડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે. જેનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આ પ્રકારની સુવિધાઓને સહિયારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકાર ઝડપી ઉત્પાદન વિકાસ ચક્રને પ્રોત્સાહન આપવા, સ્પેસ-ગ્રેડ સિસ્ટમ્સની વિશ્વસનીયતા વધારવા અને દેશના સ્પેશ ટેક ઇકોસિસ્ટમને નવી ગતિ આપવા ઈચ્છે છે.

50 એકર જમીન ફાળવી

રાજ્ય સરકારે GIDC ખોરાજ ખાતે સમર્પિત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના વિકાસ માટે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તારી શકાય છે. આ પ્રસંગે ઉપસ્થિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ  પી. ભારતી, IAS અને GSEM ના મિશન ડિરેક્ટરનેહા કુમારી, IAS એ માહિતી આપી હતી કે ખોરાજ ખાતેનો સ્પેસ પાર્ક એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ આધારિત એપ્લિકેશન્સના ડિઝાઇન પર કેન્દ્રિત રહેશે. GIDC ખોરાજ ખાતે આ મુજબની સુવિધા વિકસાવવામાં આવશે. 

- સુરક્ષા પ્રણાલીઓ સાથે ક્લીનરૂમ (ક્લાસ 100,000)
- પર્યાવરણીય સિમ્યુલેશન માટે થર્મો-વેક્યૂમ ચેમ્બર
-12 ટન સુધીના પેલોડને સંભાળી શકે તેવી વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ
-EMI/EMC ટેસ્ટિંગ સુવિધાઓ
-ક્લાઇમેટ ટેસ્ટ ચેમ્બર
-માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ
-મેગ્નેટિક ફિલ્ડ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
-પૃથ્વી અવલોકન (Earth Observation) ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધાઓ

IN-SPACe રાજ્ય સરકારને તકનીકી સહાય પૂરી પાડશે 

CTF ના વિકાસ માટે IN-SPACe રાજ્ય સરકારને તકનીકી સહાય પૂરી પાડશે તેમજ CTF ના સાધનો માટે રૂ. 100 કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપશે. રાજ્ય સરકાર સુવિધાઓ અને સ્પેસ પાર્કના નિર્માણ તથા સંચાલન માટે જરૂરી વધારાના નાણાંનું યોગદાન આપશે.

સિસ્ટમ્સનું પરીક્ષણ તથા ક્વોલિફિકેશન રાજ્યની અંદર જ કરી શકશે

આ પહેલ અવકાશ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEs ની ભાગીદારીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, કારણ કે તે પ્રવેશ અવરોધોને ઘટાડશે અને આવશ્યક તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતા વધારશે. આ સહિયારા મોડેલ દ્વારા કંપનીઓ પોતાના ઘટકો અને સિસ્ટમ્સનું પરીક્ષણ તથા ક્વોલિફિકેશન રાજ્યની અંદર જ કરી શકશે.

આ અંગે મંત્રી  અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકાર IN-SPACe અને ઉદ્યોગ જગતના હિતધારકો સાથે નજીકથી કાર્ય કરવાનું ચાલુ રાખશે જેથી ગુજરાતની સ્પેસ ઇકોનોમીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકાય.