Thu Jul 23 2026

Logo

CCE 2ને લઈને GSSSBએ આપ્યા મોટા સમાચાર! કેટલી જગ્યા ભરાશે, ક્યારે લેવાશે પરીક્ષા?

2026-07-03 09:51:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ 2026ની સૌથી મોટી ભરતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE)ની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે. તેની પ્રાથમિક પરીક્ષા આગામી સપ્ટેમ્બર માસમાં લેવામાં આવશે તેવી જાહેરાત પણ મંડળે હવે કરી દીધી છે. ત્યારે એવી ચર્ચા ચાલી રહી હતી કે GSSSB દ્વારા CCE 2 ભરતીની જાહેરાત કરવામાં આવશે. હવે GSSSB CCE 2ને લઈને  મોટા સમાચાર આપ્યા છે. કયા મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે તેમજ ક્યારે પરીક્ષા લેવામાં આવશે તે અંગે જાહેરાત કરવામાં આવી છે. 

ગઇકાલે ગુજરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વર્ષ દરમિયાન પ્રસિધ્ધ થયેલ જાહેરાતો તથા પ્રસિધ્ધ થનાર જાહેરાતો તેમજ માસ પ્રમાણે આયોજીત કરાયેલ જુદી-જુદી પરીક્ષાઓનો સૂચિત કાર્યક્રમ જાહેરાત કરવામાં આવ્યો હતો. આ કેલેન્ડરમાં GSSSB જુલાઇથી લઈને ડિસેમ્બર મહિના સુધીમાં લેવામાં આવનારી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા તેમજ આગામી સમયમાં આવનારી અન્ય ભરતીની જાહેરાત અંગેની માહિતી આપી છે. 

આ કેલેન્ડરમાં GSSSBએ આ વર્ષની સૌથી મોટી ભરતી કે જેમાં કુલ 7338 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનારી છે તે CCE 1ની પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામ બંનેને લઈને અપડેટ આપી છે.    CCE 1ની પ્રિલિમ પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવશે, જ્યારે તેની ગ્રુપ Aની મેઇન્સ નવેમ્બર 2026માં અને ગ્રુપ Bની મેઇન્સ જાન્યુઆરી  2027માં લેવામાં આવશે. 

જો કે આ યાદીમાં સૌથી મહત્વની અપડેટ CCE 2ની ભરતીની આપવામાં આવી હતી. જેની જાહેરાત આગામી દિવસોમાં મંડળ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં કુલ 2422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં સહાયક આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટની 50 જગ્યાઓ, ક્લાર્કની 17 જગ્યાઓ, હેડ ક્લાર્કની 181 જગ્યાઓ, જુનિયર ક્લાર્કની 1647 જગ્યાઓ, ઓફિસ આસિસ્ટન્ટની 115 જગ્યાઓ, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની 7 જગ્યાઓ, પ્રાંત યુવા વિકાસ અધિકારીની 10 જગ્યાઓ, સિનિયર ક્લાર્કની 214 જગ્યાઓ, સોશિયલ વેલફેર ઇન્સ્પેકટરની 94 જગ્યાઓ, સબ રજીસ્ટ્રારની 15 જગ્યાઓ અને આસિસ્ટન્ટ ગવર્મેન્ટ લેબર ઓફિસરની 66 જગ્યાઓ પર ભરતી કરવાનું GSSSBનું આયોજન છે. 

તે ઉપરાંત GSSSBએ ઘણી મુખ્ય પરીક્ષા માટેની પણ જાહેરાત કરી છે. જેમાં માહિતી ખાતાના સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની મેઇન્સ સપ્ટેમ્બરમાં લેવાશે. ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરની મેઇન્સ ડિસેમ્બરમાં લેવામાં આવશે. જમાદારની મેઇન્સની નવેમ્બર મહિનામાં લેવામાં આવશે.