Wed Jul 01 2026

Logo

મહાશિવરાત્રીના મેળામાં મુસાફરોની સુવિધા માટે એસ. ટી. 1000  બસોનું સંચાલન કરશે...

2026-02-13 17:58:55
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


ગાંધીનગર : મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ 1000  બસોનું સંચાલન કરવામાં આવશે. 

75  બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી

આ મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું  છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની 75  બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે.

વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા ઓટો રિક્ષાની સુવિધા 

યાત્રિકોની સુવિધા માટે જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરી મંદિર સુધી મુસાફરોની અવરજવર માટે 85  મીની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે 13  મીની બસ અને 'ડમરુ યાત્રા' માટે 14  મીની બસો ફાળવવામાં આવી હતી.  દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળા દરમિયાન યાત્રિકો માટે નિગમ દ્વારા સવિશેષ સુવિધાઓ કરવામાં આવે છે. જેમાં મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા, નિગમની સેવાઓ અને મેળા અંગેની તમામ વિગતો માટે ખાસ 'પિંક બૂથ' ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઈજેનિક ટોયલેટ બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

100 ટકા જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ

સમગ્ર પરિવહન પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે મેળામાં ઉપયોગમાં લેવાતી તમામ બસોનું 100  ટકા જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે 'કેશલેસ/ડિજિટલ પેમેન્ટ' દ્વારા ટિકિટ મેળવવા માટે ઓ.ટી.પી.એલ. મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર મેળાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના અધિકારીઓ અને સુપરવાઈઝર સહિત કુલ ૮૫૦ કર્મચારીઓ ૨૪*૭ કાર્યરત રહેશે. કોઈપણ ટેકનિકલ ખામી કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મિકેનિકલ ટીમ અને ક્રેનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.