Fri Sep 04 2026

Logo

ભારતમાં LPG ઉત્પાદનમાં 10% વધારો: ગેસના સંકટના વચ્ચે સરકારે કરી મોટી સ્પષ્ટતા

2026-03-10 17:43:00
Author: Devayat Khatana
ભારતમાં LPG ઉત્પાદનમાં 10% વધારો: ગેસના સંકટના વચ્ચે સરકારે કરી મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી: ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરો અને દેશના વિવિધ ભાગોમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના અહેવાલો વચ્ચે ભારત સરકારે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઘરેલું LPG ગ્રાહકો માટે ગેસની કોઈ અછત નથી અને દરરોજ 60 લાખ સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે દેશમાં LPGનું ઉત્પાદન 10 ટકા વધારી દેવામાં આવ્યું છે અને તમામ રિફાઇનરી તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.

સરકારે જણાવ્યું હતું કે કમર્શિયલ સિલિન્ડરની અછતને દૂર કરવા માટે સરકારે આયાતના રૂટમાં પણ ફેરફાર કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના અન્ય રૂટો પરથી તેલ અને ગેસની આયાત 55 ટકાથી વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે. 
આ ઉપરાંત, સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવેલો ₹ 60નો વધારો વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે નહીં, પરંતુ પાછલા વર્ષની રિકવરીને કારણે હોવાનું સરકારે જણાવ્યું છે. ગેસની સપ્લાય-ચેઇન જાળવવા માટે હાલમાં ઉદ્યોગોના હિસ્સાનો ગેસ અન્ય જરૂરિયાતો માટે ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર કમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ હોવાની ફરિયાદો ઉઠી છે. દિલ્હીના રેસ્ટોરા એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે કે 70 ટકા રેસ્ટોરા પાસે હવે માત્ર બે દિવસનો જ સ્ટોક બચ્યો છે. આ સ્થિતિમાં સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે સરકારે મહત્વનો નિર્ણય લેતા સિલિન્ડર બુકિંગની મર્યાદા 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દીધી છે.