હાય ટેન્શનના સ્થળાંતરનો ખર્ચ જ ૨૪.૫૭ કરોડ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)ના મિલ્લત નગર-લોખંડવાલા કૉમ્પ્લેક્સ અને ગોરેગામ (પશ્ર્ચિમ)ના ભગતસિંહ નગરને જોડનારો ગોરેગામ ખાડી પર બનાવવામાં આવી રહેલા મહત્ત્વાકાંક્ષી બ્રિજના પ્રોજેક્ટમાં મોટો અવરોધ નિર્માણ થયો છે. બ્રિજના બાંધકામની આડે ટ્રાન્સમિશન લાઈન અને ટાવર અડચણરૂપ બની રહ્યા હોવાથી તેમના સ્થળાંતરનો ખર્ચ અગાઉ જે ૧૦ કરોડ રૂપિયા હતો તે હવે ૨૪.૫૭ કરોડ રૂપિયા થઈ જતા આ પ્રોજેક્ટની કિંમત પણ વધીને હવે ૭૦૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બુધવારે તેનો લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવવાનો છે.
ગોરેગાંવ ક્રીક પરનો પ્રસ્તાવિત બ્રિજ ગોરેગાંવ અને ઓશિવારા વચ્ચે વૈકલ્પિક ઉત્તર-દક્ષિણ માર્ગ પૂરો પાડશે, જે એસ.વી. રોડ, લિંક રોડ અને લોખંડવાલા સર્કલ સ્ટ્રેચ પર ટ્રાફિકનું દબાણ હળવું કરશે. આ પુલ અંધેરી, ઓશિવારા, લોખંડવાલા અને ગોરેગાંવ વચ્ચે સરળ, સિગ્નલ-મુક્ત કનેક્શન પ્રદાન કરીને પ્રવાસીઓ માટે ભીડમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા છે. આ પુલ આગળ જઈને મુંબઈ કોસ્ટલ રોડના પ્રસ્તાવિત ઉત્તરીય વિસ્તરણ સાથે પણ જોડાશે અને સમગ્ર પશ્ર્ચિમ મુંબઈમાં કનેક્ટિવિટી મજબૂત કરશે.
બ્રિજનું કામ પહેલી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આપવામાં આવ્યું હતું, પરંતુ ખાડી અને મેન્ગ્રોવ વિસ્તારોમાં જરૂરી જમીન શરૂઆતમાં ઉપલબ્ધ ન હોવાથી બાંધકામમાં વિલંબ થયો હતો. પર્યાવરણીય મંજૂરીઓ, સર્વેક્ષણો, જીઓટેક્નિકલ તપાસ, ડિઝાઇન અને પાઇલ ફાઉન્ડેશન પ્લાનિંગ સહિતની પ્રાથમિક કામગીરી આ દરમ્યાન પૂર્ણ કરવામાં આવી હતી. દક્ષિણ બાજુની જમીન સોંપવામાં આવ્યા પછી, બાંધકામ ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ શરૂ થયું હતું. સાઇટનું લેવલીંગ, સીમાંકન, પાઈલીંગ અને હંગામી એક્સેસ બ્રિજનું કામ હાલમાં ચાલી રહ્યું છે.
બ્રિજના અલાઈનમેન્ટમાં જોકે, ટાટા પાવરના ૧૧૦-કેવી ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે આવી રહ્યા છે, તેથી તેના સ્થાનાંતરણની જરૂર પડી છે. જોઈન્ટ ઈન્સ્પેકશન અને મીટિંગ પછી પાલિકાએ ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વૈકલ્પિક સ્થળ માટે માહિતી પૂરી પાડ્યા બાદ ૩૧ ડિસેમ્બરે ટાટા પાવરે રિલોકેશન પ્લાન સબમિટ કર્યો.
ઈન્સ્પેકશન બાદ પાલિકાએ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આગળની કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી અને આ પ્રોજેક્ટ મહત્ત્વનો હોવાથી ટાટા પાવર રિલોકેશન હાથ ધરશે. અગાઉ તે માટે પાલિકાએ ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પણ હવે તે વધીને ૨૪.૫૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેનાથી હવે આ પ્રોજેક્ટની કિંમત ૭૦૯.૧૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ મંજૂર કરાયેલી ૬૯૪.૫૦ કરોડ રૂપિયા હતી.