Wed Jul 01 2026

Logo

ગુજરાતના એક માત્ર વાઘ માટે લાવવામાં આવશે માદા સાથી, મે-જૂન સુધીમાં કરાશે એરલિફ્ટ

2026-02-15 09:26:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતના એક માત્ર વાઘ માટે વન વિભાગ દ્વારા મોટી તૈયારી કરવામાં આવી છે. જંગલમાંથી વાઘણ શોધી તેને એરલિફ્ટ કરાશે. મે-જૂન સુધીમાં હેલિકોપ્ટર મારફતે વાઘણનું આગમન થશે.

સૂત્રોએ જણાવ્યું કે, માદા વાઘણને એરલિફ્ટ કરીને નર વાઘના વિસ્તારની આસપાસ જંગલમાં છોડવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વન વિભાગ અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વચ્ચેની ચર્ચાઓ હકારાત્મક રહી છે. મે-જૂન સુધીમાં માદા સાથીને અહીં લાવવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ જયપાલ સિંહે તાજેતરમાં દિલ્હીમાં એનટીસીએના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમને જણાવ્વામાં આવ્યું કે, ટ્રાન્સલોકેશન પહેલાંના જરૂર પગલા તરીકે ગુજરાતને ચાલુ રાષ્ટ્રીય વાઘ ગણતરીમાં સામેલ કરવામાં આવશે. ગણતરી પૂર્ણ થયા બાદ મે અને જૂન મહિનો ટ્રાન્સલોકેશન માટે સૌથી અનુકૂળ રહેશે.

કેવી વાઘણ લાવવામાં આવશે

સૂત્રોએ જણાવ્યું કે, જંગલમાં એકલી હોય અથવા સાથીની શોધમાં ભટકતી હોય તેવી માદા વાઘણની પસંદગી કરાશે. જો આવી વાઘણ ન મળે તો જંગલમાંથી પકડાયેલી અનેય કોઈ યોગ્ય માદા વાઘણનો વિકલ્પ વિચારવામાં આવશે. પરંતુ તેની શરત ક્યારેય મનુષ્યો કે પશુઓ પર હુમલો ન કર્યો હોય તેવી હશે. પંસદ કરાયેલી માદા વાઘણની હિલચાલ પર નજર રાખી શકાય તે માટે  રેડિયો કોલર પહેરાવવામાં આવશે. જો તે માનવ વસાહત તરફ જશે તો તાત્કાલિક પગલાં ભરી શકાશે. વાઘ રનતમહાલમાં એક વર્ષથી રહેતો હોવાથી તે વાતાવરણમાં સેટ થઈ ગયો છે.

વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત

ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે. 

સ્કેટ એનાલિસિસમાં શું આવ્યું સામે

વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા છે. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં વિરલ માહિતી મળી છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.

શિકાર સિવાય, આ વાઘ પોતે હવે એક ગહન વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય બન્યો છે. વન વિભાગે રતનમહાલના જંગલોમાં તેની ગતિવિધિ, ખોરાકની પદ્ધતિ અને વર્તણૂક પર નજર રાખવા માટે એક માળખાગત મોનિટરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ફિલ્ડ ટીમો વાઘના મળનું વિશ્લેષણ કરી રહી છે, તેના પંજાના નિશાન, નખના નિશાન અને 'સેન્ટ સ્પ્રે' (ગંધ છોડવાની પદ્ધતિ) નો રેકોર્ડ રાખી રહી છે. ભૌગોલિક લોકેશન ડેટાની મદદથી વાઘનો સંપૂર્ણ ઇકોલોજીકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરશે, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરી શકીશું. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.

કેમેરામાં બીજું શું થયું કેદ

આ ઉપરાંત કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. વાઘ માટે ગોઠવવામાં આવેલા કેમેરા ટ્રેપ અને વીડિયો સર્વેલન્સમાં રેટલસ્નેક (ખડચિતરો), ઉડતી ખિસકોલી અને પેંગોલિન જેવા પ્રાણીઓ કેદ થયા છે, જે આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને પેંગોલિનનું દેખાવું એ મોટી વાત છે, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં આ પ્રજાતિ મુખ્યત્વે ગીરના જંગલો પૂરતી મર્યાદિત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તારણો રતનમહાલ પ્રદેશને જોવાનો દૃષ્ટિકોણ બદલી રહ્યા છે. આ હવે માત્ર એક વાઘ પૂરતું મર્યાદિત નથી. આ ડેટા સમગ્ર વન પટ્ટાના વ્યાપક જૈવવિવિધતા મૂલ્યને છતું કરે છે. આ વિસ્તાર માટે હવે વ્યાપક સંરક્ષણ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં, આ વાઘ શાંતિથી પોતાનો શિકાર કરી રહ્યો છે, જેમાં હરણ, નીલગાય અને જંગલી ભૂંડ તેના મુખ્ય આહાર છે. બીજી તરફ વન વિભાગ આ પ્રાણી પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લે ક્યારે જોવા મળ્યો હતો વાઘ

દાહોદ જિલ્લો, જ્યાં રતનમહાલ અભયારણ્ય આવેલું છે, તે મધ્યપ્રદેશના ઝાબુઆ-કાઠીવાડા પ્રદેશને અડીને આવેલો છે, જ્યાં લગભગ 785 વાઘ છે. વન અધિકારીઓના મતે, ત્યાંથી વાઘ સરળતાથી ગુજરાતમાં આવી શકે છે. અહીંનું પર્યાવરણ અને વાતાવરણ સમાન છે. પડોશી રાજ્યમાં વધતી વસ્તીને કારણે, તેમાંથી કેટલાક વધુ સલામતી અને જગ્યાની શોધમાં દૂર ખસી ગયા હશે.

આ વર્ષ પહેલાં, ગુજરાતમાં છેલ્લો વાઘ 2001 માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. હવે, આશા ફરી જાગી હોવાથી, ગુજરાતે વાઘના નિવાસસ્થાનના વિકાસ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. એક વર્ષ પહેલાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો ત્યારથી, રાજ્યનો વન વિભાગ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ટીમોનો ઉપયોગ કરીને સતત તેના પર નજર રાખી રહ્યો છે.