(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તળાવમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા. મામા-ફોઈના આ બાળકો તળાવના કિનારે રમતા-રમતા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ગોઝારી ઘટનામાં અન્ય એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગામના ખેડૂત નિરુભા હકુભા જાડેજાની વાડીમાં મજૂરી કરતા પરિવારના આ બાળકો વાડીની નજીક આવેલા ડેમ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો અચાનક પાણીમાં દુબવા લાગ્યા હતા અને બનાવની જાણ થતાં જ વાડી માલિકે સમયસૂચકતા વાપરીને સ્થાનિકોની મદદથી ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક સારવાર માટે તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા.
આ દુર્ઘટનાનો ભોગ બનનાર તમામ બાળકોમાં કરશનભાઈ ડામોરના બે બાળકો લખત (ઉ.વ. ૬) અને લક્ષ્મી (ઉ.વ. ૩) તથા તેમના સાળાના પુત્ર અર્જુન ભુરાભાઈ બબેરીયા (ઉ.વ. ૬) નો સમાવેશ થાય છે. જ્યારે ભુરાભાઈના અન્ય એક ૩ વર્ષીય પુત્ર સાહિલ બબેરીયાની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સઘન સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.