(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાનના અગ્રણી નેતાઓ સાથે વાટાઘાટો થઈ રહી હોવાનું જણાવવાની સાથે ઈરાનનાં પાવર એકમો પર હુમલો કરવાનું પાંચ દિવસ મુલતવી રાખ્યું હોવાનું જણાવતાં ગઈકાલે યુદ્ધ શાંત પડવાના આશાવાદે મોડી સાંજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ઈરાને ટ્રમ્પના આ દાવાને નકારી કાઢતા આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ઘટ્યા મથાળેથી સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 848થી 851નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5285નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5285ના ચમકારા સાથે રૂ. 2,24,545ના મથાળે રહ્યા હતા. જોકે, અનિશ્ચિતતાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ ખપપૂરતી માગ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 848 વધીને રૂ. 1,39,858 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 851 વધીને રૂ. 1,40,420ના મથાળે રહ્યા હતા. સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પાંખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકાના સાધારણ સુધારા સાથે આૈંસદીઠ 4411.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે ભાવ ઘટીને ગત 24 નવેમ્બર પછીની નીચી આૈંસદીઠ 4097.99 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 4412.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકા વધીને આૈંસદીઠ 69.77 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હોવાથી વ્યાજદરમાં વધારાની શક્યતા થોડી મંદ પડી હોવા છતાં રોકાણકારોએ થોભો અને રાહ જૂઅફની નીતિ અપનાવતા સોનાના ભાવમાં અમુક અંશે સ્થિરતા જોવા મળી હોવાનું યુબીએએસના વિશ્લેષકે જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના નેતાઓ સાથે યુદ્ધ વિરામ માટે વાટાઘાટ થઈ રહી છે અને પાવર એકમો પર હુમલાઓ કરવાનું પાંચ દિવસ મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જણાવતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં 13 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને નકારી કાઢતાં પુનઃ ક્રૂડતેલના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
વધુમાં ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડનાં પ્રમુખ મેરી ડેલેએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનનો વિવાદ ઉકેલાય નહીં અને કામચલાઉ ધોરણે આવેલા ક્રૂડતેલના વધારાની અસર અંગે ફેડરલ રિઝર્વ આકારણી કરે ન કરે ત્યાં સુધી ફેડરલ રિઝર્વની આગામી નાણાનીતિમાં અસ્પષ્ટતા જળવાયેલી રહેશે. જોકે, ઘણાં વિશ્લેષકોનું માનવું છે કે લાંબા સમયગાળાનાડ્ઢ પરિબળો સોનામાં સુધારાને ટેકો આપી રહ્યા છે.