Thu Jul 23 2026

Logo

મહેસાણામાં માત્ર 13 વર્ષની સાતમામાં ભણતી છોકરીનો આપઘાત, ઘર પાસેની બિલ્ડિંગ પરથી કૂદી ગઈ

2026-07-02 12:14:00
Author: Mumbai Samachar Team
Article Image

મહેસાણાઃ મહેસાણામાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી આવાસ યોજનાના છઠ્ઠા માળેથી કૂદીને ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થિની આવાસ યોજનાની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટનાસ્થલે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, આજે (2 જુલાઇ) સવારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બાજુમાં શિવકૃપા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી એક કિશોરી આજે આવાસ યોજનાની બિલ્ડિંગમાં આવી હતી અને બિલ્ડિંગના છઠ્ઠા માળેથી અચાનક તેણે છલાંગ લગાવી દીધી હતી. બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

આવાસ યોજનાની બિલ્ડિંગમાંથી કોઇ નીચે પટકાયું હોવાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આવાસ યોજનાના પ્રમુખના જણાવ્યા અનુસાર, આ બનાવ 7.30 વાગ્યાની આસપાસ બન્યો હતો. ત્યારબાદ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૃતકના માતા-પિતાને જાણ થતાં તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને કિશોરીએ શા માટે આ પ્રકારનું પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવનાં પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગુરૂવારે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.