ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાંથી એક એવી આઘાતજનક ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંસ્કારી નાગરિકનું માથું શરમથી ઝૂકી જશે. જે શિક્ષકના શિરે બાળકોનું ભવિષ્ય અને ચારિત્ર્ય ઘડવાની જવાબદારી છે, એ જ શિક્ષકે એક માસૂમ વિદ્યાર્થીને ૫૦૦ રૂપિયા આપીને દારૂ મંગાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટના સામે આવતા જ સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ બાબત પર શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વિષય પર ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જે સંદર્ભે આજે ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો નશેડી શિક્ષક સસ્પેન્ડ | Una school virulvideo #Una #GirSomnath #GujaratNews #CrimeNews #EducationSystem #BreakingNews #ShockingIncident #TeacherMisconduct #GujaratUpdates #KhapatPrimarySchool #JusticeForStudents #SchoolIncident… pic.twitter.com/Ccizp2k9J1
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 10, 2026
ગેરવર્તન સામે તાત્કાલિક પગલાં
સમગ્ર વિષયને ગંભીરતાથી લેતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે જવાબદારી છે તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
આ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે. ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીરીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
દંડાત્મક પગલાં લેવાયા
આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રને કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. આ શિક્ષકને તલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે આજે ફરજમોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.