(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ/સાસણ: ગીર પૂર્વની જસાધાર અને પશ્ચિમની બાબરિયા રેન્જમાં છેલ્લા ૧૫ દિવસથી સિંહો પર તોળાઈ રહેલો રોગચાળાનો ખતરો હવે ધીમે ધીમે ટળી રહ્યો છે. બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વચ્ચે અચાનક ફાટી નીકળેલા આ જીવલેણ રોગચાળાએ 12 જેટલા સાવજોનો ભોગ લીધો હતો.
આ ગંભીર ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા બાદ તંત્ર યુદ્ધના ધોરણે હરકતમાં આવ્યું હતું અને ખુદ રાજ્યના વન પ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કુલ 17 સિંહોને આઇસોલેટ કરીને જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ વન્યજીવોને બચાવવા માટે જામનગરની 'વનતારા' સંસ્થાની ટીમ, સાસણના નિષ્ણાત પશુચિકિત્સકો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સતત દેખરેખ રાખીને સઘન સારવાર શરૂ કરી હતી. તબીબોની આ મહેનત રંગ લાવી હતી અને સિંહોના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો.
સંપૂર્ણ સ્વસ્થ થયેલા કુલ 11 સિંહોને જંગલમાં પરત મુક્ત કરવામાં આવ્યા હતા, જેનાથી વન વિભાગે મોટો હાશકારો અનુભવ્યો છે. મુક્ત કરાયેલા આ વન્યજીવોમાં જસાધાર કેર સેન્ટરના 4 અને જામવાળા સેન્ટરના 7 સિંહોનો સમાવેશ થાય છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં અન્ય 6 સિંહો હજુ સારવાર હેઠળ છે, જેમાં 2 નર, 1 માદા અને 3 સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામની તબિયતમાં પણ સંતોષકારક સુધારો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેમને પણ જંગલમાં છોડી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે હવે ગીરમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. વન વિભાગની વિવિધ ટીમો દ્વારા જંગલ વિસ્તારમાં સતત અને સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.