Thu Jul 23 2026

Logo

ઘુડખર અભયારણ્ય વિવાદ: જમીન સેટલમેન્ટ અને અગરિયાઓના હક્ક માટે સરકારે લીધો આ નિર્ણય

2026-07-17 12:46:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના નાના રણ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પડતર અને જટિલ બનેલા ઘુડખર અભયારણ્યના સર્વે, જમીન સેટલમેન્ટ અને પેઢીઓથી મીઠું પકવતા સ્થાનિક અગરિયાઓના પરંપરાગત અધિકારોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી લટકતા આ સંવેદનશીલ પ્રશ્નોની ઝીણવટભરી તપાસ કરી કાયદાકીય માળખામાં કાયમી ઉકેલ લાવવા માટે સરકારે મહેસૂલ તેમજ વન-પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બનેલી ૧૬ સભ્યોની વિશેષ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટીની ભલામણોના આધારે અભયારણ્યનું આખરી જાહેરનામું બહાર પાડવાની દિશામાં આગળ વધવામાં આવશે.

સરકાર દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ સૌપ્રથમ કચ્છના નાના રણના ૩૫૬૯.૩૬૩ ચોરસ કિલોમીટર વિસ્તારને ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર કરાયો હતો. ત્યારબાદ, વન્યજીવોની મુક્ત અવરજવર અને સંરક્ષણ માટે તેની ફરતે આવેલા કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત પાંચ જિલ્લાના ૮૪ ગામોની ૧૨૭૨.૫૨ ચોરસ કિલોમીટર સરકારી ખરાબાની જમીન આ અભયારણ્યમાં ઉમેરવામાં આવી હતી.

આ ઉપરાંત, પાટણ જિલ્લાના સાંતલપુર અને બનાસકાંઠા (હવે વાવ-થરાદ) જિલ્લાના વાવ તાલુકાના ૨૩ ગામોની ૧૧૨.૪૭ ચોરસ કિલોમીટર જેટલી ખરાબાની જમીન પણ આ પ્રકલ્પમાં જોડી દેવાઈ હતી. હાલમાં કુલ ૪,૯૫૩.૭૧ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ પ્રદેશ ઘુડખર અભયારણ્ય તરીકે પ્રાથમિક જાહેરનામા હેઠળ આવેલો છે.

વન્યપ્રાણી અધિનિયમની કાનૂની જોગવાઈઓ અનુસાર, કોઈપણ અભયારણ્યનું અંતિમ નોટિફિકેશન બહાર પાડતા પહેલાં તે સીમાની અંદર આવતા સ્થાનિક લોકો, પશુપાલકો અને પરંપરાગત રીતે મીઠું પકવતા ગરીબ અગરિયા પરિવારોના હક્ક-દાવાઓ તેમજ સરકારી સવલતોની તટસ્થ ચકાસણી કરીને ‘સર્વે સેટલમેન્ટ અહેવાલ' પૂર્ણ કરવો ફરજિયાત છે.

આ પ્રક્રિયા વર્ષોથી અનિર્ણિત હોવાના કારણે અગરિયાઓના કમાણી અને રહેણાંકના અધિકારો પર સતત તલવાર લટકતી રહેતી હતી. હવે આ નવી સમિતિ કાનૂની અને વહીવટી સ્તરે જમીનની માપણી અને અગરિયાઓના પ્રશ્નોનું સેટલમેન્ટ કરીને આ અહેવાલને આખરી ઓપ આપશે.

રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી આ ૧૬ સભ્યોની સમિતિમાં વહીવટી તંત્રના ટોચના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અધ્યક્ષ તરીકે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા વન અને પર્યાવરણ વિભાગના સિનિયર અધિકારી સંયુક્ત રીતે સુકાન સંભાળશે. ઉપાધ્યક્ષ તરીકે મહેસૂલ તેમજ વન અને પર્યાવરણ વિભાગના જુનિયર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સેવા આપશે જયારે સભ્યો તરીકે મુખ્ય વન સંરક્ષક, મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ), જમીન સુધારણા સચિવ, સેટલમેન્ટ કમિશનર, કૃષિ નિયામક, સોલ્ટ વિભાગના સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

આ કમિટી ટૂંક સમયમાં જ નાના રણ વિસ્તારના પ્રત્યક્ષ સર્વેક્ષણની કામગીરી હાથ ધરીને સરકારને રિપોર્ટ સોંપશે, જેનાથી રણના જીવતંત્ર અને માનવ અધિકારો વચ્ચે સંતુલન જાળવી શકાશે.


(ઉત્સવ વૈદ્ય)