Thu Jul 23 2026

Logo

ગેનીબેન ઠાકોરની મહિલાઓને અપીલ; કહ્યું - ચમત્કારોના ભ્રમમાંથી બહાર નીકળી સંતાનોને શિક્ષણ આપો, ભુવાઓને પણ આડેહાથ લીધા

2026-07-17 17:45:36
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે જે પ્રકારે અંધશ્રદ્ધા વધી રહી છે, તે ચિંતાનો વિષય છે. તેવામાં હવે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મહત્વપૂર્ણ વાત કરી છે. બનાસકાંઠામાં વર્ષો જૂની સામાજિક પરંપરાઓ અને પ્રગતિશીલ વિચારો વચ્ચે ચાલી રહેલા મંથનને વધુ એક વખત વેગ મળ્યો છે. અષાઢી બીજના પવિત્ર અવસરે લાખણી તાલુકાના મોટાકાપરા ગામે આયોજિત ધાર્મિક મહોત્સવમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રૂઢિચુસ્ત વિચારો સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. 

મહિલાઓ સંતાનોના ભણતર પાછળ શક્તિ ખર્ચે તેવી અપીલ

ગેનીબેન ઠાકોરે એક લોકપ્રિય નેતા તરીકે તેમણે રાજકીય ભાષણોથી પર જઈને સમાજને અરીસો બતાવ્યો છે, અને બહેનોને ખાસ વિનંતી કરી છે કે તેઓ અંધશ્રદ્ધા પાછળ સમય વેડફવાને બદલે સંતાનોના ભણતર પાછળ શક્તિ ખર્ચે. મોટાકાપરા ગામના ધાર્મિક કાર્યક્રમમાં ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધતા ગેનીબેને સ્ત્રીઓની સામાજિક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમે દીવા કરો, ધૂપ કરો, માનતા રાખો  કે જમણવાર કરો, પરંતુ જો તમારી કર્મો સારા નહીં હોય તો કુદરત પણ તમારો સાથ નહીં આપે! 

અંધશ્રદ્ધા અને કુરિવાજોના ચક્રવ્યૂહમાંથી મુક્ત થવા કહ્યું

આ સાથે સાથે મહિલાઓને માર્ગદર્શન આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે ઉમેર્યું હતું કે, જો ઘરમાં દીકરા-દીકરીઓ ભણશે, તો આવનારી પેઢી આપોઆપ આવી ખોટી અંધશ્રદ્ધા અને કુરિવાજોના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈ જશે. આજના યુગમાં શિક્ષણ જ એકમાત્ર એવું માધ્યમ છે, જેના દ્વારા સમાજની કાયાપલટ થઈ શકે છે. ભુવાજીના કહેવા પર ભાઈઓમાં ક્યાં કોઈ સંપ કરે છે? તેવું કહીને ચમત્કારોમાં વિશ્વાસ રાખતા વર્ગને પણ તેમણે આડેહાથ લીધા હતા. 

વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા અપીલ

અંધશ્રદ્ધાના કારણે લોકો એકબીજા પ્રત્યે વહેમ રાખી રહ્યા છે જેનાથી પરિવારો તૂટી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે તેમણે વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા સમાજને હાકલ કરી હતી. બનાસકાંઠામાં ગેનીબેનની વાતને લોકો ગંભીરતાથી લઈને તેનું પાલન પણ કરે છે. અત્યારે ગેનીબેન દ્વારા અપીલ કરવામાં આવી છે તે અંગે પણ લોકો અમલ કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.