(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગાંધીનગરમાં રહેતી એક મહિલા લેબ ટેકનિશિયન સાથે પ્રી-આઈપીઓ રોકાણના નામે રૂ. 69.63 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદી મહિલાને ડિસેમ્બર 2025માં ઈન્સ્ટાગ્રામ એક જાહેરાત જોઈ હતી, જેમાં રસ દાખવતા તેમને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેવામાં આવ્યા હતા. યતીન શાહ નામના વ્યક્તિએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ નકલી વેબસાઈટ અને પીડીએફ ફાઈલો દ્વારા પ્રી-આઈપીઓ રોકાણની લાલચ આપી હતી.
શરૂઆતમાં રોકાણ પર સારો નફો મળતો હોવાનો ડોળ કરી આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો અને આશરે રૂ. 68,000 વિડ્રો કરવા દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ પ્રી-આઈપીઓ અલોટમેન્ટ અને પ્રોફિટના નામે વિવિધ બેંક ખાતાઓમાં ફરિયાદી પાસેથી તબક્કાવાર રૂ. 69,63,582 ટ્રાન્સફર કરાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના પ્રોફિટના નાણાં પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ વધારાની રકમની માંગણી કરી હતી, જેનાથી છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આઈટી એક્ટ અને સંબંધિત કલમો હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીએ તેમની સાથે વિશ્વાસઘાત કરનાર તમામ બેંક ખાતા ધારકો અને મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેના આધારે પોલીસ હવે આ નેટવર્કને પકડવા તપાસ કરી રહી છે.