Thu Jul 23 2026

Logo

ગાંધીનગરની હોટલમાં MPની યુવતીનું પ્રેમીએ જ ગળું કાપીને કરી હત્યા, કઈ રીતે ઝડપાયો ?

2026-07-04 09:41:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ શહેરમાં થોડા દિવસ પહેલા હોટલમાં MPની યુવતીનું પ્રેમીએ જ ગળું કાપીને હત્યા કરી હતી. જે બાદ ખુદ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે પોતાની જાળે ગળું કાપી શક્યો નહીં અને દર્દનાક હાલતમાં પલંગમાં તરફડવા લાગ્યો હતો. મધરાતે તેનો તરફડવાનો અવાજ આવતાં જ રૂમમાં હાજર રહેલા લોકો જાગી ગયા હતા. જે બાદ તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તે સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, મધ્ય પ્રદેશના પીપરસમા ગામે નવું ઘર બનાવતી વખતે બંને યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને એક જ ગામમાં રહેતા હોવાથી સામાજિક કે અન્ય કારણોસર તેમના લગ્ન શક્ય નહોતા, જેથી તેઓ બંને 7 જૂને પોતપોતાના ઘરેથી ભાગી ગયા હતા.  દીકરી ગુમ થતાં તેના પિતાએ મધ્ય પ્રદેશના શિવપુરી પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

યુવતીને પરત લાવવા માટે તેનો કૌટુંબિક ભાઈ અને બે પોલીસ કોન્સ્ટેબલ  કાર લઈને શોધખોળ માટે નીકળ્યા હતા. મળેલી ચોક્કસ બાતમીના આધારે કૌટુંબિક ભાઈ અને કોન્સ્ટેબલ 11 જૂને રાજકોટ ખાતે પ્રેમી કપલ જ્યાં રોકાયું હતું તે ઘરે પહોંચ્યા હતા. પ્રેમી કપલને પકડીને પરત મધ્ય પ્રદેશ લઈ જતા સમયે, આ તમામ લોકો મુસાફરી દરમિયાન 12 જૂને ગાંધીનગર પહોંચ્યા હતા.

લાંબી મુસાફરીના કારણે થાકી જતાં, આ તમામ લોકોએ આગળ જવાનું ટાળીને ગાંધીનગરની એક હોટલમાં રાત્રિ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. રાત્રે હોટલના રૂમમાં તમામ લોકો સૂઈ ગયા બાદ, પ્રેમીએ આપઘાતનો પ્લાન રજૂ કર્યો હતો. જે બાદ પ્રેમિકાએ તેની બેગમાંથી શાકભાજી કાપવાની છરી કાઢીને પ્રેમીના હાથમાં આપી હતી. પ્રેમીએ પ્રેમિકાને તું મને મારી નાખ તેમ કહ્યું હતું, જેથી પ્રેમિકાએ ભાવુક થઈને પ્રેમી પર હાથ ઉપાડવાની ના પાડીને કહીને હું તને મારી શકું નહીં તેમ કહ્યું હતું. જે બાદ પ્રેમીએ પ્રેમિકાને પોતાના ખોળામાં લીધી હતી અને તેનું મોઢું દબાવી છરી વડે ગળું કાપી હત્યા કરી હતી. પ્રેમિકાનો શ્વાસ અટકી ગયા બાદ પ્રેમીએ પણ છરી પોતાના ગળે ફેરવી હતી પરંતુ ગળું પૂરેપૂરું કાપી શક્યો નહોતો અને દર્દનાક હાલતમાં તરફડવા લાગ્યો હતો. જેથી રૂમમાં હાજર પોલીસ જવાનો જાગી જતાં ખૌફનાક દ્રશ્ય સામે આવ્યું હતું.