ગાંધીનગર: થોડા દિવસો પહેલા જો તમે બગોદરાથી નળસરોવર તરફ જતા રસ્તા પર આવતા કણોતર ગામનાં 23 હેક્ટર ગૌચર જમીનની બાજુમાંથી પસાર થયા હોત, તો બહુ ઓછા લોકોને ત્યાં ઉભા રહેવાનું મન થયું હોત. કેમ કે ખૂબ જ ક્ષારવાળી અને ગાંડા બાવળોથી ઘેરાયેલી આ જમીન ઉજ્જડ જેવી હતી. જો કે, આજે આ સ્થળેથી પસાર થતા કોઇ રોકાયા વગર રહી શકતું નથી.
'ગાંધીનગર હરિયાળી લોકસભા' અભિયાનનાં ભાગરૂપે, ગુજરાત વન વિભાગે આ 23 હેક્ટર જમીનની કાયાપલટ કરી નાખી છે. ગાંડો બાવળ દૂર કરી, જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં જિપ્સમ, છાણિયું ખાતર, જરૂરી પોષકતત્વો અને ખાતર નાખી જમીન નવસાધ્ય થયેલી જમીનમાં 2.30 લાખ વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વૃક્ષોમાં મુખ્યત્વે સ્થાનિક પ્રજાતિનું વાવેતર કરવામાં આવશે.
ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં 82 સ્થળોએ આ પ્રકારની કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. સાવ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનને નવસાધ્ય કરી સ્થાનિક પ્રજાતિઓનાં વૃક્ષોનું વાવેતર કરી નવી ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના 'ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ' હેઠળ ચાલુ વર્ષે સવા કરોડ (1.25 કરોડ) રોપા વાવવાનો લક્ષ્યાંક છે. આ સવા કરોડનાં લક્ષ્યાંકમાં વન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 82 સ્થળોએ 540.92 હેક્ટર વિસ્તારમાં 60 લાખ રોપા વવાશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારને દેશનો સૌથી હરિયાળો મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ સાંસદ અમિત શાહે કર્યો છે.

દેશી પ્રજાતિની વનસ્પતિ પર વધુ ભાર
ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટમાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાતનાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, "આ અભિયાન હેઠળ ઝડપથી ઉગતા વૃક્ષોની જગ્યાએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્થિતિને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરી છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે તેમાં 80 જટેલી પ્રજાતિઓ સ્થાનિક હશે. એટલુ જ નહીં, 6.05 લાખથી વધુ રોપાઓમાં 24 પ્રકારની પ્રજાતિઓ દુર્લભ, વિલુપ્ત અને ભયગ્રસ્ત થતી પ્રજાતિની છે.

સ્થાનિક પ્રજાતિનાં વનસ્પતિઓમાં કુમકુમ(Mallotus sp.), શીમળો, કંપીલો, કીલાઇ, ચમુલી, જંગલી સરગવો, સફેદ સિરીશ, જંગલી જામફળ, કાંચનાર, પીળો કેસૂડો, અરીઠા, સફેદ સાગ, અને સફેદ ગંભાર વગેરેનો સમાવેશ થાય છે."સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી પંખીઓ, પતંગિયા, આ પ્રજાતિનાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ આવશે અને એક ધબકતુ નિવસનસંત્ર ઉભુ થશે. દેશી વૃક્ષો સ્થાનિક પક્ષીઓ, સરીસૃપો, પતંગિયાઓ, મધમાખીઓ અને અન્ય પોલીનેટરોને ખોરાક, આશરો અને પ્રજનન માટેની જગ્યા પૂરી પાડે છે.