(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દેશ સહિત ગુજરાતમાં ઘણા સમયથી મ્યુલ એકાઉન્ટ રેકેટના કેસ નોંધાઈ રહ્યા છે. ફરી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના નાણાને ઠેકાણે પાડવા માટે ભાડે રાખવામાં આવતા મ્યુલ અકાઉન્ટ્સ ચલાવતી ગેંગના 16 સભ્યને પકડી પાડ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ રૂ. 77 કરોડના દેશભરના સાયબર ક્રાઈમના નાણા સંડોવાયેલા હોવાની માહિતી પણ મળી હતી. આ રેકેટના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાનું જાણવા મળે છે. આરોપીઓએ અલગ અલગ કંપનીઓના નામે ખાતા ખોલાવ્યા હતા.
આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ અનુસાર આ ખાતાઓ સાથે સંબંધિત 375 જેટલી ફરિયાદ નોંધાયેલી છે.