Tue Aug 25 2026

Logo

ગાંધીનગર નજીક બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, એકનું મોત

2026-02-17 16:28:00
Author: Mumbai Samachar Team
ગાંધીનગર નજીક બ્રિજ પરથી રિક્ષા સાબરમતી નદીમાં ખાબકી, એકનું મોત

ગાંધીનગર: ચિલોડાથી સેક્ટર-30 તરફ જતા એક રીક્ષાનો ગમ્ખાવર અકસ્માત સર્જાયો હતો. સાબરમતી નદી પર આવેલા બ્રિજ પરથી એક ઓટો રિક્ષા અચાનક નદીના ઊંડા પાણીમાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, બપોરે આશરે 1:00 વાગ્યાની આસપાસ જ્યારે રિક્ષા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રિક્ષા સુરક્ષા રેલિંગ તોડીને સીધી નીચે નદીમાં જઈ પડી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષા ચાલકને બચાવવાની તક મળે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સ્થાનિકોમાં આ અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ પર હાલ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હોવાથી સુરક્ષા માટે માત્ર પતરા મારવામાં આવ્યા હતા. મજબૂત રેલિંગના અભાવે રિક્ષા સીધી નીચે ખાબકી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લઈ ગઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અકસ્માતની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડ અને ચિલોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ રિક્ષા અને ચાલકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતને પગલે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને હળવી કરવા પોલીસે મોરચો સંભાળ્યો હતો.

ચિલોડા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્રિજ પર કામકાજ દરમિયાન સુરક્ષાના પૂરતા સાધનો કેમ નહોતા અને આ અકસ્માત પાછળ ખરેખર કોની બેદરકારી જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.