Wed Jul 01 2026

Logo

ગાંધીધામ: મજૂરીના પૈસાના વિવાદમાં મિત્રએ મિત્રનું ઢીમ ઢાળ્યું

2026-02-14 15:27:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ એવા સરહદી જિલ્લા કચ્છમાં મહાભુકંપ બાદ અનેક ઉદ્યોગોના આવ્યા પછી અહીં પરપ્રાંતીય લોકોની અવરજવર વધવાની સાથે અહીં ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો સામાન્ય બાબત બની ચુકી છે.  ગાંધીધામના રેલવે સ્ટેશનના બહાર જવાના ગેટ નજીક મજૂરીના પૈસાની લેતી-દેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.૪૦)ને સરાજાહેર ઢોરમાર મારીને તેની હત્યા નિપજાવી દેતાં પંથકમાં ચકચાર પ્રસરી હતી. 

શું છે મામલો

પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રહેતો આરોપી  અનિલકુમાર રામ આશિષ યાદવ તથા કુશીનગર ઉત્તરપ્રદેશના મુસ્તાક અંસારી એક મહિના પહેલા અહીં મજૂરી કામ અર્થે આવ્યા હતા. રાપર ખાતે પાઇપ બીછાવવાના કામની મજૂરીના એક મહિના બાદ આરોપીએ મુસ્તાક પાસેથી હિસાબ માગ્યો હતો અને મહિનાનો પગાર ચૂકવી આપવા માટે જણાવ્યું હતું. ગત સવારે બંને શ્રમિકો પરત ઉત્તરપ્રદેશ જવા રાપરથી ગાંધીધામ આવ્યા હતા, જોકે ઉત્તરપ્રદેશની ટ્રેન મળી ન હતી. તેઓ રેલવે સ્ટેશનની બહાર જવાના ફૂટપાથ પર હતા ત્યારે એક મહિનાના લેવાના થતા પગાર અંગે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા અનિલે મુસ્તાકને લાતો, મુક્કાઓ વડે ઢોરમાર માર્યો હતો. આ વેળાએ દોડી આવેલા રેલવે પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ વાળાએ આરોપી અનિલને દબોચી રેલવે પોલીસને સોંપી દીધો હતો. 

જમીન પર બેશુદ્ધ હાલતમાં પડેલા મુસ્તાકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.  રેલવે પોલીસ સબ ઇન્સ્પેકટર જાહીદ બહાઉદ્દીન કુરેશીએ આરોપી અનિલ વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)