(ઉત્સવ વૈધ)
ગાંધીધામ: કચ્છના ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી એક યુવતીના કરુણ અંતની હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ નેપાળી પરિવારની સોનમ સુનાર નામની 33 વર્ષીય પરિણીતાને તેના પતિ સુલતાન જુસબ સુમરાએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. જેની બાદ પોલીસે હત્યારા પતિને રાઉન્ડઅપ કર્યો છે.
નાની-નાની વાતોમાં મારઝૂડ કરતો હતો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વર્ષ 2011 સોનમ સુનાર પોતાના પરિવારની મરજી વિરુદ્ધ ભારત નગરના સુલતાન સુમરા સાથે ભાગીને પરણી ગઈ હતી. દીકરીના આ પગલાથી આઘાતમાં સરેલો મહેનતકશ નેપાળી પરિવાર ગાંધીધામ છોડીને નેપાળ પરત જતો રહ્યો હતો. તેમજ શરૂઆતના થોડા વર્ષો બાદ સુલતાને પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. તે સોનમ પર પરિવાર સાથે વાત કરવા અંગે પ્રતિબંધ મૂકી નાની-નાની વાતોમાં મારઝૂડ કરતો હતો.
ત્યારે ગત 12 મી જુલાઈના રોજ સોનમે પતિની છૂપી રીતે ગાંધીધામ રહેતા પોતાના પિતરાઈ ભાઈ સંતોષને ફોન કરી રડતા-રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમજ કહ્યું હતું કે ભાઈ તું મારા ઘરે ન આવતો કે સામેથી ફોન ન કરતો. જો સુલતાનને ખબર પડશે તો તે મને મારી નાખશે.
સોનમને ખેંચની બીમારીની ખોટી વાત જણાવી
જેની બાદ શુક્રવારે સવારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ભારત નગરમાં એક પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે અને પરિવાર તેની અંતિમવિધિની તૈયારી કરી રહ્યો છે. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હત્યારા પતિ સુલતાને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એવું બહાનું બનાવ્યું હતું કે સોનમને ખેંચની બીમારી હતી અને તે પડી જવાથી મૃત્યુ પામી છે.
પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી.
સોનમના શરીર પર ચામડી ઉતરી ગઈ હોય તેવા ઢોર મારના અસંખ્ય નિશાન અને માથાના પાછળના ભાગેથી લોહી નીકળેલું હોવાથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. લાશને જામનગર મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક ઓટોપ્સી માટે મોકલવામાં આવતા રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે સોનમનું મોત 'મલ્ટિપલ ઈન્જરીઝ'ના કારણે થયું છે.
સુલતાન જુસબ સુમરા વિરુદ્ધ ગુનો દાખલ
તેમજ પોતાની લાડકી બહેનના મોતના સમાચાર મળતા જ દુબઈમાં લોન્ડ્રી વર્કર તરીકે કામ કરતો સોનમનો નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ગાંધીધામ દોડી આવ્યો હતો. રાહુલે જણાવ્યું કે પતિના ત્રાસના કારણે છેલ્લા ચાર વર્ષથી તેની બહેન સાથે કોઈ વાત થઈ શકી નહોતી. રાહુલે પોતાની બહેનને ક્રૂરતાપૂર્વક માર મારી મોત નીપજાવવા બદલ સુલતાન જુસબ સુમરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.