Fri Jul 24 2026

Logo

અભણ,કદરૂપી અને માંગલિક હોવાના મહેણાં મારી પરિણીતાને તરછોડી પતિએ ધામધૂમથી બીજા લગ્ન કર્યાં

2026-04-06 11:55:00
Author: Mumbai samachar Team
Article Image

AI Image


ભુજઃ શિક્ષિત સમાજ માટે કલંકરૂપ કિસ્સો સરહદી કચ્છના ગઢશીશામાં બહાર આવ્યો છે, જેમાં માયાનગરી મુંબઈ રહેતા પતિ અને સાસરિયાઓએ પરિણીતાને ‘અભણ, કદરૂપી અને માંગલિક’ કહી, માનસિક યાતના આપી પિયર ભેગી કરી દીધી હતી. એટલું જ નહીં, કાયદેસરના છૂટાછેડા લીધા વિના જ પતિએ અન્ય યુવતી સાથે ધામધૂમથી બીજાં લગ્ન કરી લેતા આ મામલે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ગઢશીશાની અને ૩૨ વર્ષીય ગીતાબેન પ્રકાશ સાકરિયાના લગ્ન વર્ષ ૨૦૧૭માં મુંબઈના જુહૂ વિસ્તારમાં રહેતા પ્રકાશ શામજી સાકરિયા સાથે થયા હતા. ફરિયાદ અનુસાર, લગ્નના ટૂંકા ગાળામાં જ સાસુ રમીલાબેન, સસરા શામજીભાઈ, દિયર જયેશ અને પતિ પ્રકાશે ગીતાબેનના અભ્યાસ અને દેખાવ મુદ્દે ટોણા મારવાનું શરૂ કર્યું હતું. પરિણીતાને પિયર મૂકી આવ્યા બાદ, તેને પરત લઈ જવાના બદલે સાસરિયાઓએ ‘દીકરી માંગલિક છે’ તેવું બહાનું આગળ ધર્યું હતું. ગ્રહદશા નિવારવાના નામે બે વખત અલગ-અલગ સ્થળે મંગળની પૂજાઓ કરાવાઈ હોવા છતાં પતિ તેને મુંબઈ લઈ જવા તૈયાર થયો ન હતો. હકીકતમાં, માંગલિક હોવાનો કોઈ પ્રશ્ન ન હોવા છતાં માત્ર છૂટા રાખવાના ઇરાદે આ પ્રપંચ રચવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

બંને પરિવારો વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલતા હતા અને હજુ સુધી કોઈ કાયદેસરના છૂટાછેડા થયા ન હતા. આ દરમિયાન, ગત ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પતિ પ્રકાશે ભચાઉ તાલુકાના લખપત (નવાગામ)ની અંકિતા નામની યુવતી સાથે સમાજની હાજરીમાં ધામધૂમથી બીજાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નના ફોટા અને વીડિયો પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે પીડિત પરિણીતાએ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ પ્રકાશ, સાસુ રમીલાબેન, સસરા શામજીભાઈ અને દિયર જયેશ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ,છૂટાછેડા વિના બીજા લગ્ન કરવા,ગુનાહિત ષડયંત્ર રચવું જેવી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

(ઉત્સવ વૈદ્ય)