ભુજઃ દેશની વ્યૂહાત્મક સરહદ ધરાવતા અને અત્યંત સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં વિદેશી નાગરિકોની ગેરકાયદે અવરજવર અને રોકાણ અંગે સુરક્ષા તંત્ર સતત હરકતમાં છે એ વચ્ચે બંદરીય માંડવી તાલુકાના દરિયાકાંઠે આવેલા બાડા ગામ નજીકના 'ધમ્મ સિંધુ કચ્છ વિપશ્યના ધ્યાન કેન્દ્ર' માંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સાધના માટે આવેલી વિશ્વના સૌથી ગરીબ બુરુન્ડી દેશની ૩૫ વર્ષીય વિદેશી મહિલા ડાયને ગાહગુ સ્ટાનીના પાસપોર્ટ અને વિઝાની મુદત વર્ષો પહેલાં પૂર્ણ થઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થતાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે. હાલ આ વિદેશી મહિલાને ભુજ સ્થિત જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે રાખીને વિવિધ ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, બાડા ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર દરિયાકિનારા નજીક આવેલા આ વિપશ્યના કેન્દ્રમાં ગત ૧ જુલાઈથી ૧૦ દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મનના વિકારોથી મુક્તિ આપતી આ સાધનામાં ભાગ લેવા માટે બુરુન્ડીની આ મહિલા પણ પહોંચી હતી. જો કે, શિબિર વિધિવત શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક પોલીસને આ મહિલાના શંકાસ્પદ દસ્તાવેજો અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે માંડવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી હતી.
પ્રાથમિક દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ માનવતાવાદી અભિગમ અને સુરક્ષા એજન્સીઓની દેખરેખ હેઠળ મહિલાને ફરીથી કેન્દ્રમાં જવાની મંજૂરી અપાઈ હતી, જેથી તે પોતાની ૧૦ દિવસની સાધના પૂર્ણ કરી શકે. સમગ્ર શિબિર દરમિયાન સુરક્ષા તંત્ર દ્વારા તેના પર ચોવીસ કલાક ગુપ્ત નજર રાખવામાં આવી હતી. ગત ૧૨ જુલાઈના રોજ શિબિર પૂર્ણ થતાં જ માંડવી પોલીસે તેની પુનઃ કસ્ટડી લઈને તેને ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ખાતે મોકલી આપી હતી.
૩૫ વર્ષીય ડાયને ગાહગુ સ્ટાની વર્ષ ૨૦૧૪માં ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત આવી હતી અને તેણે વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો હતો. તે સમયે તેનો નાનો ભાઈ પણ તેની સાથે જ ભણતો હતો, જે હાલ વડોદરાની એક ફૂટબોલ એકેડેમીમાં કોચ તરીકે કાર્યરત છે.
અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ આ મહિલા ભારત છોડીને ગઈ ન હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેના પાસપોર્ટ અને વિઝાની સત્તાવાર મુદત વર્ષ ૨૦૧૮માં જ પૂર્ણ થઈ ગઈ હતી. આમ, છેલ્લા ૮ વર્ષથી તે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં, ખાસ કરીને વડોદરામાં તેના એક મિત્ર સાથે રહી રહી હતી અને ત્યાંથી તે કચ્છ આવી પહોંચી હતી.તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને મહિલા પાસેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા 'યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીઝ' દ્વારા જારી કરવામાં આવતું શરણાર્થી ઓળખપત્ર મળી આવ્યું છે, જે વર્ષ ૨૦૨૭ સુધી માન્ય હોવાનું દર્શાવે છે.
હાલ જેઆઈસી ભુજ ખાતે આર્મી ઇન્ટેલિજન્સ, સેન્ટ્રલ આઇબી, સ્ટેટ ઇન્ટેલિજન્સ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા આ રેફ્યુજી કાર્ડની સચ્ચાઈ, તે કયા દેશમાંથી અને કયા સંજોગોમાં મેળવવામાં આવ્યું, ભારતમાં રોકાણ પાછળનો અસલી હેતુ શું હતો, તથા સરહદી જિલ્લામાં આવવા પાછળ કોઈ અન્ય ઈરાદો હતો કે કેમ, તે તમામ રાષ્ટ્રીય સુરક્ષાના પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. સત્તાવાર અધિકારીઓ દ્વારા તપાસના અંતે જ આ મામલે કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવશે.
(ઉત્સવ વૈદ્ય)