Fri Sep 04 2026

Logo

કવર સ્ટોરીઃ ફાસ્ટ મૂવિંગ કંપનીઓમાં ફાસ્ટ મૂવમેન્ટ: સુકાની બદલીને વિકાસને ગતિ આપવાનો પ્રયાસ

2026-09-02 07:41:43
Author: Nilesh Waghela
કવર સ્ટોરીઃ ફાસ્ટ મૂવિંગ કંપનીઓમાં ફાસ્ટ મૂવમેન્ટ: સુકાની બદલીને વિકાસને ગતિ આપવાનો પ્રયાસ

નિલેશ વાઘેલા

ભારતના એફએમસીજી ઉદ્યોગને હવે એ હકીકત સમજાઇ રહી છે કે ભૂતકાળની કાર્યપદ્ધતિ કદાચ વર્તમાન સમયમાં ઉપયોગી નથી રહી! દેશની કેટલીક મોટી કન્ઝ્યુમર કંપનીઓમાં ટોચના નેતૃત્વમાં પાછલાં કેટલાક સમયથી ઝડપી ફેરફારો જોવા મળી રહ્યા છે. ટોચના અધિકારીઓના આ રાજીનામા અને નવી નિમણૂકો પાછળનાં કારણો અલગ હોઈ શકે, પરંતુ સામૂહિક ચિત્ર એક મોટા પરિવર્તન તરફ સંકેત આપે છે: બોર્ડ હવે એવા બિઝનેસ લીડર્સની શોધમાં છે, જે વધુ ઝડપથી વૃદ્ધિ હાંસલ કરી શકે, બદલાતા બજારને સંભાળી શકે અને જૂની સફળ કંપનીઓને ગ્રાહકો સાથેનું જોડાણ ગુમાવ્યા વિના નવસ્વરૂપ આપી શકે.

પાછલા એક વર્ષ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ), બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (જીસીપીએલ), ડાબર ઇન્ડિયા અને કોલગેટ-પામોલિવ ઇન્ડિયા જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓમાં નેતૃત્વ પરિવર્તન થયા છે. આ સમયગાળા પહેલાં નેસ્લે ઇન્ડિયામાં પણ ટોચનું નેતૃત્વ બદલાયું હતું. વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે.

આ ફેરફારો એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે એફએમસીજી ઉદ્યોગ પોતે જ એક મહત્ત્વપૂર્ણ વળાંક પર છે. ગ્રાહક માગ હજુ પણ અસમાન છે, પ્રાદેશિક અને સ્થાનિક બ્રાન્ડ્સ તરફથી સ્પર્ધા વધી રહી છે અને કંપનીઓ પર વેચાણમાં વધારો કરવાની સાથે નફાકારકતા અને બજાર હિસ્સો જાળવી રાખવાનું દબાણ છે. ઇનપુટ ખર્ચમાં અસ્થિરતા, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપો પડકારને વધુ મુશ્કેલ બનાવે છે.

આ ઉપરાંત ગ્રાહક પણ બદલાઈ રહ્યો છે. પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ વધતું આકર્ષણ કંપનીઓ માટે નવી તકો ઊભી કરી રહ્યું છે, પરંતુ બજારના મોટા હિસ્સામાં વાજબી કિંમત હજુ પણ મહત્ત્વપૂર્ણ છે. ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે ગ્રાહકો બ્રાન્ડ શોધે અને ખરીદે તે રીત પણ બદલાઈ રહી છે. પરંપરાગત વિતરણ અને બ્રાન્ડ નિર્માણના નિયમો હવે પહેલાં જેવા રહ્યા નથી.

આ જોતાં સમજી શકાય છે કે, બિઝનેસ લીડરશિપમાં થઈ રહેલા ફેરફારોને માત્ર અલગ-અલગ કોર્પોરેટ ઘટનાઓ તરીકે જોવું યોગ્ય નથી. ઓગસ્ટ 2025માં રોહિત જાવાના સ્થાને, પ્રિયા નાયરનું હિન્દુસ્તાન યુનિલિવરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકેનું પદ સંભાળવું તે સમયગાળાની સૌથી નોંધપાત્ર નિમણૂકોમાંની એક હતી. 

નવેમ્બર 2025માં બ્રિટાનિયામાં એક દાયકાથી વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ કરનાર વરુણ બેરીનું અચાનક વિદાય લેવું પણ નોંધપાત્ર રહ્યું. ડિસેમ્બરમાં બિરલા ઓપસના ભૂતપૂર્વ સીઇ રક્ષિત હરગવએ કંપનીના એમડી અને સીઇઓ તરીકે જવાબદારી સંભાળી. એ જ રીતે, ડાબર ઇન્ડિયાએ ભારત અને ગ્લોબલ બિઝનેસની જવાબદારીઓને વિભાજિત કરતાં હર્જિત એસ. ભલ્લાને ઇન્ડિયા બિઝનેસના સીઇઓ અને મોહિત મલ્હોત્રાને ગ્લોબલ સીઇઓ બનાવ્યા.  

જીસીપીએલમાં અચાનક નેતૃત્વ પરિવર્તનની અસર તેના શેર પર પણ જોવા મળી હતી. આ કંપનીમાં શેરહોલ્ડરોએ સુધીર સીતાપતિની વધુ પાંચ વર્ષ માટે પુન:નિમણૂકને મંજૂરી આપ્યાના થોડા જ સમય બાદ તેમણે રાજીનામું આપ્યું. ત્યારબાદ કંપનીએ ગ્રુપ સીએફઓ આસિફ માલબારીને તેમનો ઉત્તરાધિકારી બનાવ્યા. 

આ જાહેરાત પછી જીસીપીએલના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતોે, જે દર્શાવે છે કે બજાર હવે ટોચના મેનેજમેન્ટના નિર્ણયોને કેટલી ઝીણવટભરી નજરથી જુએ છે. કોલગેટ-પામોલિવ ઇન્ડિયામાં પણ નેતૃત્વ પરિવર્તન થવાનું છે. પ્રભા નરસિંહન એશિયા-પેસિફિકની વધુ વ્યાપક માર્કેટિંગ જવાબદારી સંભાળશે અને તેમના સ્થાને કોલગેટના ભૂતપૂર્વ અધિકારી મનીષ આનંદાની એમડી અને સીઇઓ બનશે.

સૌથી રસપ્રદ પરિવર્તન કદાચ નેસ્લે ઇન્ડિયામાં જોવા મળે છે. ઓગસ્ટ 2025માં મનીષ તિવારીએ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ત્યારે તેમણે સુરેન્દ્ર નારાયણનનું સ્થાન લીધું હતું. નારાયણન પરંપરાગત એફએમસીજી ક્ષેત્રના અત્યંત અનુભવી લીડર હતા, જેમની તાકાત બ્રાન્ડ, વિતરણ અને ગ્રાહક સંબંધોની ઊંડી સમજ હતી. બીજી તરફ, તિવારી એમેઝોનમાંથી આવ્યા છે અને તેઓ ટેક્નોલોજી, ડિજિટલ કોમર્સ અને ઝડપી અમલીકરણનો અનુભવ સાથે લાવ્યા છે.આ તફાવત જ ઉદ્યોગની દિશા સ્પષ્ટ કરે છે.

આગામી દાયકાનો એફએમસીજી લીડર માત્ર બ્રાન્ડનો સંરક્ષક નહીં, પરંતુ ડિજિટલ વ્યૂહરચનાકાર અને ગ્રોથ ઓપરેટર પણ હોવો પડશે. પરંપરાગત ક્ષમતાઓ હજુ પણ જરૂરી છે, પરંતુ હવે તેની સાથે ડેટાનો વધુ અસરકારક ઉપયોગ, ઝડપી ઇનોવેશન, ડિજિટલ વિતરણ અને સ્થાપિત બિઝનેસ મોડલને પડકારવાની ક્ષમતા પણ જરૂરી બનશે.

પરંતુ અહીં એક જોખમ પણ છે. નવા સીઇઓની નિમણૂક એટલે આપમેળે નવી વૃદ્ધિની શરૂઆત થાય એવું નથી. એફએમસીજી બિઝનેસ વર્ષોના પ્રયત્નોથી ઊભો થાય છે, ત્રિમાસિક પરિણામોથી નહીં. વારંવાર થતા નેતૃત્વ પરિવર્તનથી સંગઠનમાં અસ્થિરતા ઊભી થઈ શકે છે, વ્યૂહરચનામાં વિક્ષેપ પડી શકે છે અને કર્મચારીઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ તથા રોકાણકારોમાં અનિશ્ર્ચિતતા વધી શકે છે.

ટોચની લીડરશિપમાં ધરખમ ફેરફાર કેટલા કારગર નિવડશે?
ભારતના એફએમસીજી ક્ષેત્રમાં પાછલા એક વર્ષ દરમિયાન ટોચના નેતૃત્વમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. એચયુએલ, બ્રિટાનિયા, જીસીપીએલ, ડાબર, કોલગેટ પામોલીવ અને નેસ્લે ઇન્ડિયા જેવી અગ્રણી કંપનીઓએ નવા સીઇઓ અથવા સિનિયર બિઝનેસ લીડર્સની નિમણૂક કરી છે. આ પરિવર્તનો ધીમી અને અસમાન ગ્રાહક માગ, વધતી સ્થાનિક સ્પર્ધા, ખર્ચમાં અસ્થિરતા અને ડિજિટલ કોમર્સના વધતા પ્રભાવ વચ્ચે થઈ રહ્યા છે. 

કંપનીઓ હવે માત્ર બ્રાન્ડ અને વિતરણના પરંપરાગત અનુભવને બદલે ઝડપી અમલીકરણ, ડિજિટલ ક્ષમતા, ડેટા આધારિત નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા અને કલ્પનાશીલ બિઝનેસ લીડર્સને ઝંખી રહી છે. જોકે, માત્ર સીઇઓ બદલવાથી વિકાસની ગેરન્ટી મળતી નથી. નવા અધિકારીઓએ ગ્રાહક વિશ્વાસ જાળવીને ટકાઉ વૃદ્ધિ, બજાર હિસ્સો અને નફાકારકતા હાંસલ કરવી પડશે.