સુરતઃ શહેરમાં પડેલા 18 ઇંચ ધોધમાર વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીઓ પણ ઓવરફ્લો થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ઓસરતાં જ નેતાઓ લોકોની સ્થિતિ જાણવા આવી રહ્યા છે અને લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. ઉધનાના ભાજપના ધારાસભ્ય મનુ પટેલ જ્યારે પૂર પ્રભાવિત પાંડેસરા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા.
મહિલાઓએ ગુસ્સામાં કહ્યું કે, અમારા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને ખાવા-પીવાના ફાંફા હતા, છતાં ત્રણ દિવસ સુધી કોઈ અમને જોવા પણ નથી આવ્યું. ધારાસભ્યએ લોકોને શાંત પાડતા કહ્યું કે, જેમના ઘરોમાં વધુ પાણી હતું તેમને તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા હતા અને 7 જેટલી શાળાઓમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. જોકે, મહિલાઓએ વળતો પ્રહાર કર્યો કે, તમારા સરકારી ચોપડે ભલે ગમે તે હોય, પણ અમારા વિસ્તારમાં કોઈ આવ્યું નથી.
આ ઉપરાંત ધારાસભ્ય મનુ પટેલે લોકોને જણાવ્યું કે, આજે કે કાલે સરકારી સર્વે કરનારા અધિકારીઓ આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તમારા ઘરમાં જે પણ નુકસાન થયું હોય તે બધું અધિકારીઓને વિગતવાર લખાવજો. જે લોકો સર્વેમાં નામ લખાવશે, તેમને જ સરકાર તરફથી આર્થિક સહાય મળશે. જે નામ નહીં લખાવે તેને એક રૂપિયો પણ નહીં મળે.
એક મહિલાએ ધારાસભ્યને ચેતવણી આપી કે, જો અત્યારે અમારી મુશ્કેલી દૂર નહીં થાય, તો આગામી ચૂંટણીમાં અમે કોઈને વોટ નહીં આપીએ. આ સાંભળીને ધારાસભ્ય પણ અકળાઈ ગયા અને કહ્યું, અમે અહીં અત્યારે કોઈ મત લેવા નથી આવ્યા! સામે મહિલાએ કટાક્ષ કર્યો કે, પાંચ વર્ષ પહેલાં જ્યારે આવ્યા હતા, ત્યારે તો હાથ જોડીને મત માંગતા હતા. મામલો વધુ ગરમાય તે પહેલા ધારાસભ્ય મનુ પટેલે કહ્યું કે, અમારું કામ સેવાનું છે અને અમે કરતા રહીશું. આટલું કહીને તેઓ કાર્યકરો સાથે ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોમાં હજી પણ ભારે નારાજગી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સ્થાનિક કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ ટ્રેક્ટરમાં બેસીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.રોષે ભરાયેલા નાગરિકોએ ટ્રેક્ટરનો ઘેરાવ કરીને નેતાઓ અને અધિકારીઓને નીચે ઉતાર્યા હતા અને પૂરના પાણીમાં પગપાળા ચલાવીને વાસ્તવિક પરિસ્થિતિનો અહેસાસ કરાવ્યો હતો.