નવી દિલ્હી: ભારતમાં મુંબઇ અને અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. જોકે, તેની બાદ દેશના અન્ય રાજ્યો સુધી પણ તેને લંબાવવાની શકયતા છે. તેવા સમયે સામાન્ય લોકોના મનમાં બુલેટ ટ્રેન ચલાવનારા ડ્રાઇવરની પસંદગી અને લાયકાત પગાર અંગે સવાલ ઉભા થાય તે સ્વાભાવિક છે.
એન્જિનિયરિંગ શાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રી જરૂરી
તેમજ ભારતમાં બુલેટ ટ્રેન ના સંચાલન માટે વિશેષ તાલીમ પામેલા ડ્રાઇવરોની જરૂર પડશે, જેમને 'HSR પાઇલટ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિકા સામાન્ય ટ્રેનના લોકો-પાઇલટ (ડ્રાઇવર) કરતા વધુ તકનીકી અને અલગ હશે. બુલેટ ટ્રેન ડ્રાઇવર બનવા માટે, ઉમેદવાર પાસે સંબંધિત એન્જિનિયરિંગ શાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી આવશ્યક છે.
સીધી ભરતી દ્વારા બુલેટ ટ્રેન ડ્રાઇવર નહિ બની શકે
આ ઉપરાંત, ભારતીય રેલવે અથવા સરકારી મેટ્રો સેવામાં ટ્રેન ચલાવવાનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો પણ ફરજિયાત છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કોઈ વ્યક્તિ સીધી ભરતી દ્વારા બુલેટ ટ્રેન ડ્રાઇવર નહિ બની શકે.
ડ્રાઇવરોની પસંદગી પ્રક્રિયામાં કડક માપદંડોનો સમાવેશ
જોકે, આ સમગ્ર બાબત અંગે જાણવા જેવી વાત એ છે કે બુલેટ ટ્રેનનું સંચાલન 'નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ' (NHSRCL) દ્વારા કરવામાં આવશે. તેમજ તેમા ડ્રાઇવરોની પસંદગી પ્રક્રિયામાં કડક માપદંડોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ તબીબી યોગ્યતા તપાસ, દ્રષ્ટિની તપાસ અને સાયકોમેટ્રિક મૂલ્યાંકન પાસ કરવા તેમજ ઝડપી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા દર્શાવવી પડી શકે છે. તેમને ટ્રેન ચલાવવા માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવશે.
બુલેટ ટ્રેનનું સંચાલન સામાન્ય ટ્રેન કરતા અલગ
આ ઉપરાંત બુલેટ ટ્રેનનું સંચાલન સામાન્ય ટ્રેન કરતા અલગ હોય છે. તેમાં આધુનિક ટેકનોલોજી, હાઈ-સ્પીડ બ્રેકિંગ સિસ્ટમ અને વિવિધ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. જેના લીધે પસંદગી પામેલા ઉમેદવારોએ વ્યાપક તકનીકી તાલીમ અને પ્રાયોગિક સત્રોમાંથી પસાર થવું પડશે. આ તાલીમ પૂર્ણ કર્યા પછી જ તેમને બુલેટ ટ્રેન ચલાવવાની અધિકૃતતા આપવામાં આવશે.
બુલેટ ટ્રેનના ડ્રાઇવરોને વધુ પગાર મળવાની શક્યતા
જોકે, બુલેટ ટ્રેનના ડ્રાઇવરોના પગાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં, રેલવેમાં અનુભવી 'મેલ અને એક્સપ્રેસ' ડ્રાઈવરો માટે પગાર વિવિધ ભથ્થાઓ સહિત રૂપિયા 60,000 થી 90,000 ની વચ્ચે છે. તેમ છતાં બુલેટ ટ્રેનના ડ્રાઇવરોને વધુ પગાર મળવાની શક્યતા છે.વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેમનો પગાર અનુભવ અને યોગ્યતાના આધારે રૂપિયા 40,000 થી 1,25,000 ની વચ્ચે હોઈ શકે છે.