મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પાસે જુલાઈ મહિનાના ૧૫ દિવસમાં ૨ હજાર ફરિયાદો નોંધાઈ છે, જેમાં અસ્વચ્છતા અંગેની ફરિયાદોનું પ્રમાણ સૌથી વધુ છે. મળેલી ફરિયાદોમાં પુણે જિલ્લો પ્રથમ ક્રમે છે, જેની પાછળ મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર અને રાયગઢ જિલ્લાનો નંબર આવે છે.
ફરિયાદોની તાત્કાલિક નોંધ લેવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં આશરે ૪૦૦ ફરિયાદો પર તપાસ તેમજ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં લગભગ ૧ હજાર ફરિયાદો પર તપાસ અને કાર્યવાહી ચાલુ છે, જ્યારે બાકીની ફરિયાદોની ચકાસણી અને નિકાલ તબક્કાવાર કરવામાં આવી રહ્યો છે.
અસ્વચ્છતા, ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન, હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો, ખોટું લેબલિંગ, એક્સપાયરી ડેટ થયેલી પ્રોડક્ટ્સ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ તથા સ્વચ્છતાના ધોરણોનું પાલન ન કરવું, જેવી ફરિયાદોનું પ્રમાણ સૌથી વધુ છે.
સામાન્ય નાગરિકો માટે ફરિયાદ કરવાનું વધુ સરળ બને તે માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેની પહેલથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફરિયાદ નોંધણી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.