ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું નથી ત્યાં ઈરાને ઊભા કરેલા સંગઠન અંસાર અલ્લાહે સાઉદી અરેબિયા પર હુમલો કરી દેતાં મિડલ ઈસ્ટમાં નવી મોંકાણ મંડાઈ છે. અંસાર અલ્લાહના હુમલાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના પુરવઠાને અસર પહોંચે એવો ખતરો તો છે જ પણ અમેરિકા-ઈરાન યુદ્ધનો ઓછાયો સાઉદી સહિતના અમેરિકાના સાથી દેશો લગી પહોંચે એવા ભણકારા પણ વાગી રહ્યા છે.
સાઉદી અરેબિયા, યુએઈ, કતાર વગેરે અમેરિકાના સાથી દેશો દુનિયામાં ક્રૂડના સૌથી મોટા સપ્લાયર છે. આ દેશો ક્રૂડના નહીં પણ આગના કૂવા પર બેઠેલા છે તેથી આ દેશો લગી યુદ્ધ પહોંચી જાય તો આખું મિડલ ઈસ્ટ ભડકે બળે અને કોઈએ કલ્પના પણ ના કરી હોય એવી તબાહી સર્જાય. ક્રૂડના કૂવા ભડકે બળે એટલે ભાવ પણ ભડકે બળે જ ને તેમાં આખી દુનિયાનાં અર્થતંત્રની બોન પૈણાઈ જાય.
હુતીઝ તરીકે ઓળખાતા અંસાર અલ્લાહે અત્યારે કરેલો ડ્રોન હુમલો બહુ મોટો નથી પણ આ ડ્રોન હુમલામાં સાઉદી અરેબિયાની મહત્ત્વની ઓઈલ-ગેસ પાઈપલાઈનને ભારે નુકસાન થયું છે. રીફાઈનરીથી બંદર સુધીની આ પાઈપલાઈન અઠવાડિયામાં ફરીથી ચાલુ ના કરાય તો બહુ થોડા દિવસોમાં નિકાસ માટે ક્રૂડ ઓઈલનો નિકાસ માટેનો સ્ટોક ખતમ થઈ જાય. મતલબ કે, સાઉદી અરેબિયા દુનિયાના બીજા દેશોમાં ક્રૂડ ઓઈલ ના મોકલી શકે.
અત્યારે વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં સાઉદી અરેબિયાનો હિસ્સો 4 ટકાથી 10 ટકા જેટલો છે. વૈશ્વિક સમીકરણો બદલાય એમ આ હિસ્સો બદલાય છે પણ આપણે ઓછામાં ઓછા હિસ્સાને ગણતરીમાં લઈએ તો પણ બજારમાંથી વૈશ્વિક ક્રૂડ ઓઈલનો 4 ટકા પુરવઠો તો ઘટી જ જાય. અત્યારે સાઉદી પાસે રેડ સી એટલે કે લાલ સમુદ્રના યાન્બુ બંદર પર ફક્ત પાંચથી સાત દિવસ માટે નિકાસ જાળવી રાખવા જેટલું જ ક્રૂડ બચ્યું છે એ જોતાં પાઇપલાઇન ચાલુ ના થાય તો દુનિયાની વાટ લાગી જવાની છે.
સાઉદી કેટલા સમયમાં પાઈપલાઈ ચાલુ કરશે એ વિશે અલગ અલગ દાવા થાય છે. એક રિપોર્ટ એવો છે કે, ત્રણ-ચાર દિવસમાં સમારકામ થઈ જશે જ્યારે બીજા રીપોર્ટ પ્રમાણે, સમારકામમાં પાંચથી છ અઠવાડિયા લાગી શકે છે. બીજો રીપોર્ટ સાચો હોય તો આવતા અઠવાડિયાથી જ ક્રૂડનો પુરવઠો ઘટવાનું ને ભાવો વધવાનું ચાલુ થઈ જાય. તેની અસર બધા દેશોના અર્થતંત્ર પર પડવા માંડે.
ભારતને તો સૌથી વધારે અસર થાય. આ સમારકામ દરમિયાન હુતીઝના હુમલામાં નવું કશું નુકસાન ના થાય એ પણ જરૂરી છે કેમ કે સાઉદી એક પાઈપલાઈન રીપેર કરે ને હુતીઝ બીજે નુકસાન કરી દે તો સ્થિતી ખરાબ થાય જ. આ સ્થિતિ ના સર્જાય એ માટે હુતીઝ હમણાં નવા હુમલા ના કરે એવી પ્રાર્થના કરીએ, બીજું શું.
હુતીઝે સાઉદી અરેબિયામાં કરેલા હુમલાએ ફરી એક વાતનો અહેસાસ કરાવ્યો છે કે, ઈરાન ભલે અમેરિકા જેટલું તાકાતવર ના હોય પણ તેનામાં આખી દુનિયાના અર્થતંત્રને ડામાડોળ કરી નાંખવાની તાકાત છે જ. અમેરિકા બહુ દૂર છે એટલે ઈરાનના હાથ અમેરિકા લગી ના પહોંચે પણ અમેરિકા જેમના રવાડે ચડીને ઈરાનને પાંસં કરવા હુમલા કરી રહ્યું છે એ સાઉદી અરેબિયા સહિતના દેશોને તો ઈરાન ધોળે દિવસે તારા દેખાડી જ શકે છે.
આ પહેલાં 2023માં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ થયો ત્યારે પણ ઈરાને હુતીઝ પાસે સાઉદી અરેબિયાની સરકારી ઓઇલ કંપની અરામકોની બે રીફાઈરી પર ડ્રોન હુમલા કરાવીને સાઉદીને ચીમકી આપેલી જ. હુતીઝના હુમલા પછી સાઉદી ટાઢું થઈને બેસી ગયેલું તેથી ભડકો નહોતો થયો. આ વખતે પણ સાઉદી અરેબિયા સાનમાં સમજી જાય તો વાત અહીં પતી જશે, બાકી ભડકો થઈ શકે છે. સાઉદીએ તાજો તાજો પાકિસ્તાન અને તુર્કી સાથે મક્કા કરાર કર્યો છે. તેના કારણે હવામાં આવીને હુતીઝને જવાબ આપવા બાંયો ચડાવે તો મિડલ ઈસ્ટની તબાહી નક્કી છે.
સાઉદી શાંતિ રાખે એ જરૂરી છે કેમ કે હુતીઝ ઉર્ફે અંસાર અલ્લાહ તેને ભારે નુકસાન કરી શકે તેમ છે. ઈરાને ઊભા કરેલા અંસાર અલ્લાહનો ઈતિહાસ ત્રણ દાયકાથી વધારે જૂનો છે. હુતીની સ્થાપના યમનમાં 1994માં થઈ હતી. અંસાર અલ્લાહ એટલે અલ્લાહના સમર્થકો. હુસૈન બદરેદ્દીન અલ-હુથીએ આ સંગઠનની સ્થાપના કરી તેથી તેને હુતી ચળવળ કહે છે. હુસૈને પોતાની સાથે શિયા અને સુન્ની બંનેને લીધા હતા પણ ઈરાને આર્થિક મદદ કરીને તેના પર પરોક્ષ કબજો કર્યો પછી હવે શિયાઓનું જ સંગઠન છે.
યમન પર કબજા માટે વરસોથી શિયા અને સુન્ની સામસામે લડ્યા જ કરે છે. એક જમાનામાં ઉત્તર યમન પર ઓટોમાન સામ્રાજ્યના બાદશાહો એટલે કે તુર્કીનો કબજો હતો. તુર્કી ત્યારે જર્મનો સાથે હતું જ્યારે દક્ષિણ યમન બ્રિટનના તાબા હેઠળ હતું. 1990માં ઉત્તર અને દક્ષિણ યમનના એકીકરણ બાદ 1990માં નવો યમન દેશ અસ્તિત્વમાં આવ્યો પણ શિયા વર્સીસ સુન્નીના ઝગડા ચાલુ જ રહ્યા.
યમનમાં અલી અબ્દુલ્લાહ સાલેહ પ્રમુખ હતા ત્યારે હુતી સંગઠન અસ્તિત્વમાં આવ્યું. સાલેહ સાઉદી અરેબિયા અને અમેરિકાના પીઠ્ઠુ છે અને બેફામ ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ મૂકીને તેની સામે લડવા આ સંગઠન રચાયેલું. આ કારણે અંસાર અલ્લાહ શરૂઆતમાં રાજકીય રીતે લડતું પણ 2004માં યમનના લશ્કરે હુસૈન અને તેના સંખ્યાબંધ માણસોની હત્યા કરી પછી સંગઠને હથિયાર ઉઠાવી લીધાં. હુસૈનના ભાઈ અબ્દુલ મલિક અલ-હુતીએ તેની આગેવાની લીધી ને પંદર વર્ષમાં આ સંગઠનને તાકાતવર બનાવી દીધું છે.
સાઉદી અરેબિયા અને યમન વચ્ચે 1450 કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદના મોટા ભાગના વિસ્તારો પર હુતીનો કબજો હોવાથી સાઉદીને પરેશાન કરવું સરળ છે. યમનની રાજધાની ઉપરાંત મોટા ભાગનો ઉત્તર અને પશ્ચિમનો વિસ્તાર હુતીઓના કબજામાં છે. મિડલ ઈસ્ટમાં રેડ સી મહત્ત્વનો છે. રેડ સીના કાંઠાનો આખો વિસ્તાર હુતીઓના કબજામાં છે તેથી સાઉદી તેને હળવાશથી લઈ શકે તેમ નથી.
હુતી પાસે અત્યારે પોતાના સાડા ત્રણ લાખથી વધારે સૈનિકો છે કે જે મોટા ભાગના યમન પર કબજો કરીને બેઠા છે. ઈરાન તેને તન, મન, ધનથી મદદ કરે છે તેથી શસ્ત્રો કે નાણાંની ચિંતા નથી. અમેરિકા તથા સાઉદી સહિતના તેના સાથી દેશો સામે ઝીંક ઝીલવા ઈરાને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ બનાવી તેમાં હુતી ઉપરાંત હિઝબુલ્લાહ, ઈસ્લામિક રેઝિસ્ટન્સ, પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સીસ, ઈસ્લામિક જિહાદ સહિતનાં સંગઠનો છે. આ સંગઠનો પણ એકબીજાને મદદ કરે છે તેથી સાઉદી હુતીને હળવાશથી ના લઈ શકે.