Fri May 15 2026

Logo

NEET પરીક્ષા આવતા વર્ષથી કોમ્પ્યુટર આધારિત હશે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી જાહેરાત

2026-05-15 12:04:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ NEET 2026 પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત (CBT) લેવાશે. એટલે કે હવેથી આ પરીક્ષા OMR શીટ પર લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ વખતે પરીક્ષામાં 15 મિનિટનો વધારાનો સમય મળશે. 21 જૂનની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમની પસંદગીનું સેન્ટર મળશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજના 5.15 વાગ્યા સુધી યોજાશે. 21 જૂનની પરીક્ષા માટે 14 જૂન સુધીમાં એડમિટ કાર્ડ મળી જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, NTAની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થઈ હતી અને તે એક કરોડ જેટલા બાળકોની પરીક્ષા કરાવે છે. NTAએ નિર્ણય લીધો છે કે અમે ફી પરત કરીશું. આ સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તેમની પસંદગીનું શહેર પસંદ કરવાની આઝાદી આપવામાં આવશે."

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, "3 મેના રોજ NEETની પરીક્ષા યોજાઈ હતી. 7 મેના રોજ એવા સમાચાર સામે આવ્યા કે ગેસ પેપર વાળા પ્રશ્નો જ NEETની પરીક્ષામાં પૂછાયા છે. અમે તરત જ પ્રાથમિક તપાસ કરી અને મામલો એજન્સીઓને સોંપી દીધો. 8 મેના રોજ તપાસની પ્રક્રિયા શરૂ થઈ અને 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી. શિક્ષણ માફિયાઓને હરાવવા માટે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે." તેમણે એમ પણ કહ્યું કે સીબીઆઈ (CBI) આ મામલાની તપાસ કરી રહી છે અને ગેરરીતિનો પ્રયાસ કરનારાઓને સજા કરવામાં આવશે. ફરીથી પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓ પર કોઈ આર્થિક બોજ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "અમે આમાં કોઈ પણ પ્રકારની ખોટી પ્રથા (ગેરરીતિ) ચલાવી નહીં લઈએ. આગામી પરીક્ષાઓથી શિક્ષણ માફિયા દૂર રહે, નહીંતર તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અમે સમાજને પણ અપીલ કરીશું કે તેઓ સારી પ્રથાઓ અપનાવે. પરંતુ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આકરા નિર્ણયો લેવા પડ્યા છે."

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે કે NEET-UG પરીક્ષાની સુરક્ષામાં ખામી રહી ગઈ છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સિસ્ટમમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર આ ભૂલનો સ્વીકાર કરે છે અને તેને સુધારવાની જવાબદારી પણ લે છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024માં પણ પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા, તેથી હવે NTAની આખી કાર્યપદ્ધતિને મજબૂત બનાવવા પર કામ કરવામાં આવશે.