ભુજ: ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં સમાવાયેલા કચ્છ જિલ્લાની અઢી દાયકાથી અશાંત બનેલી ધરા ફરી ધણધણી ઉઠી હતી અને ભચાઉથી ૧૧ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો, જમીનમાં ૨૧.૧ કિલોમીટરની ઉંડાઇએથી ૩.૨ની તીવ્રતાનો ધરતીકંપનો વધુ એક આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાતા ગભરાટ ફેલાયો હતો.
બુધવારે બપોરે ૧૨ અને ૩૯ કલાકે પૂર્વ કચ્છમાં આવેલા આ ભૂકંપના આંચકાની કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં વિશેષ અસર જોવા મળી હતી જેમાં કાચા-પાકાં મકાનોના બારી તથા બારણા ખખડવાની સાથે ભયના માર્યા લોકોએ પણ ઘરની બહાર દોટ મૂકી દીધી હતી. આ આંચકાની અનુભૂતિ છેક ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના શહેરોમાં વિશેષ કરીને ખખડેલી બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારોએ પણ કરી હતી.
નોંધનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો લાંબો સમય વીતી ચુક્યો છે ત્યારે સતત વધી રહેલી ભૂ-હલચલથી કચ્છીઓના માનસપટ પર અંકિત થઇ ગયેલી એ વિનાશક ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી છે.
(ઉત્સવ વૈદ્ય)